સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં રાશન વિતરણમાં CBDC સિસ્ટમ ફેલ, દુકાનદારોના વિરોધને પગલે દિવાળી પર અનાજ વિતરણ અટકવાની ભીતિ

રાજકોટમાં રાશન વિતરણમાં CBDC સિસ્ટમ ફેલ, દુકાનદારોના વિરોધને પગલે દિવાળી પર અનાજ વિતરણ અટકવાની ભીતિ

રાજકોટમાં નવી CBDC સિસ્ટમ દ્વારા રાશન વિતરણમાં ભારે ખલેલ પડી રહી છે. વારંવાર સર્વર ઠપ્પ થવાને કારણે ગરીબ રેશનકાર્ડ ધારકોને અનાજ મળવામાં મુશ્કેલી પડી રહી છે. સસ્તા અનાજના દુકાનદારોએ આ સિસ્ટમ સામે વિરોધ નોંધાવ્યો છે.

દુકાનદારોનું કહેવું છે કે CBDC સિસ્ટમમાં વારંવાર લોગઆઉટ થવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે વિતરણની પ્રક્રિયા ખોરવાઈ જાય છે. ઘણા ગ્રાહકો પાસે સ્માર્ટ ફોન ન હોવાથી કૂપન જનરેટ કરવામાં તકલીફ પડે છે. જ્યારે નવી સિસ્ટમમાં ગ્રાહકના મોબાઈલ પર કૂપન જનરેટ થાય છે અને સ્કેન કરીને અનાજ મળે છે. પરંતુ સર્વર ઠપ્પ થવાને કારણે આ પ્રક્રિયા અટકી જાય છે.

હાલ PNB બેંક સાથે મર્જર થયા બાદ CBDC સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. પહેલેથી જ PNBનું સર્વર ધીમું હતું, હવે CBDCના કારણે હેરાનગતિ વધી છે. દુકાનદારો જણાવે છે કે દર વખતે સિસ્ટમની ખામીઓ સંગઠન દ્વારા ઉજાગર કરવામાં આવે છે, પરંતુ તંત્ર સાંભળતું નથી.

ઓક્ટોબર મહિનામાં દિવાળીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા ખાંડ અને તેલ વધારે આપવામાં આવે છે. પરંતુ CBDCના ધાંધિયાને કારણે ગરીબ રેશનકાર્ડ ધારકો આ લાભથી વંચિત રહી જાય તેવી ભીતિ દુકાનદારોએ વ્યક્ત કરી છે. તેમણે માંગ કરી છે કે દિવાળી પૂરતી આ સિસ્ટમનો હઠાગ્રહ છોડીને ગરીબ રાશનકાર્ડ ધારકોને બક્ષી દેવામાં આવે.

સિસ્ટમમાં વારંવાર એરર આવવી અને લોગ આઉટ થવાથી ગ્રાહકો અને દુકાનદારો બંને હેરાન થઈ રહ્યા છે. ઝોનલ કચેરી અને મામલતદાર કચેરી દ્વારા ગ્રાહકોને બોલાવીને અથવા કર્મચારીઓને દુકાનો પર મોકલીને મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી તેના માધ્યમથી જ અનાજ મેળવવાનો આગ્રહ રાખવામાં આવે છે. આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી અનાજ મેળવવાની સિસ્ટમમાંથી ગ્રાહક આપોઆપ બહાર થઈ જાય છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દુકાનદારોએ સંગઠન દ્વારા રજૂઆત કરી છે કે સર્વરની સમસ્યા દૂર કરવામાં આવે અને જૂની સિસ્ટમ ફરી ચાલુ કરવામાં આવે. ત્યાં સુધી ગરીબ રાશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવારમાં અનાજ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે.