સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ રેન્જમાં ડી સ્ટાફ પોલીસકર્મીઓની ચકાસણી: IG નિર્લિપ્ત રાયએ 7 મુદ્દાની માહિતી માંગી

રાજકોટ રેન્જમાં ડી સ્ટાફ પોલીસકર્મીઓની ચકાસણી: IG નિર્લિપ્ત રાયએ 7 મુદ્દાની માહિતી માંગી

રાજકોટ રેન્જમાં આવતા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ડી સ્ટાફના પોલીસકર્મીઓમાં ચકાસણીનો માહોલ છે. રેન્જ IG નિર્લિપ્ત રાયે તમામ પોલીસ વડાઓ પાસેથી ડી સ્ટાફનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

ખાસ કરીને પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી માંગવામાં આવી છે. આ માહિતીના આધારે આગામી દિવસોમાં તમામ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ડી સ્ટાફના કર્મચારીઓ અને તેમની કાર્યપદ્ધતિમાં મોટો ફેરફાર થઈ શકે છે.

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય પોતાની કાર્યશૈલીથી આખા ગુજરાતમાં જાણીતા છે. કાયદામાં કોઈપણ પ્રકારની બાંધછોડ તેઓ સહન કરતા નથી. ખાસ કરીને પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ જો પોતાની ફરજમાં બાંધછોડ કરીને કાયદા વિરુદ્ધ કામ કરે તો તેમની સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં તેઓ ખચકાતા નથી.

રેન્જ IG તરીકે નિમણૂક થયા બાદ આખા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પોલીસની ભૂમિકા સામે પ્રશ્નો ઊભા થાય તો સસ્પેન્ડ કરવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. આ પૃષ્ઠભૂમિમાં નિર્લિપ્ત રાયે એક ખાસ નિર્ણય કર્યો છે અને રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં પોલીસની કામગીરી સુધરે તે માટે 7 મુદ્દાની માહિતી માંગી છે.

ડી સ્ટાફમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીનું નામ, તેમનું મૂળ વતન, હાલનું સરનામું, કેટલા સમયથી ડી સ્ટાફમાં ફરજ બજાવે છે, કોઈ સગા-સંબંધી ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં, જો હોય તો તેમનું નામ અને તેમની સાથે શું સંબંધ છે તે અંગેની માહિતી માંગવામાં આવી છે.

આ માહિતી તૈયાર કરીને રેન્જ IGને મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ જિલ્લા પોલીસ સ્ટેશનોમાંથી આવેલી માહિતીના આધારે તપાસ કરીને ડી સ્ટાફમાં સ્વચ્છ છબી ધરાવતા અને લાયક પોલીસ અધિકારી-કર્મચારી જ ફરજ બજાવે તે માટે નિર્દેશ આપવામાં આવી શકે છે. તેમની કાર્યપદ્ધતિ LCB માફક જવાબદારીપૂર્વક બનાવવા પણ સૂચના મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓની કેટલીક ઘટનાઓમાં પોલીસ અને ખાસ કરીને ડી સ્ટાફના કર્મચારીઓની જવાબદારી સામે આવી હતી. કેટલાક કિસ્સામાં પોલીસકર્મીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આથી પોલીસની કાર્યપદ્ધતિમાં મોટો સુધારો લાવવા માટે આ માહિતી સભર રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોઈ શકે છે, જેથી પોલીસ પ્રજાનો સાચો રક્ષક સાબિત થઈ શકે.