સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ રેન્જ IGનો નિર્ણય: ડી સ્ટાફના પોલીસકર્મીઓના ગુનેગાર સગાઓની કુંડળી માંગી

રાજકોટ રેન્જ IGનો નિર્ણય: ડી સ્ટાફના પોલીસકર્મીઓના ગુનેગાર સગાઓની કુંડળી માંગી

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રેન્જ હેઠળના તમામ જિલ્લાઓના પોલીસ વડાઓને ડી સ્ટાફમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની વિગતવાર માહિતી મોકલવા સૂચના આપી છે. આ સૂચનાથી પોલીસ વિભાગમાં હલચલ જોવા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર, ડી સ્ટાફના પોલીસકર્મીઓના સગા-સંબંધીઓમાં કોઈ ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં તેની સ્પષ્ટ વિગતો માંગવામાં આવી છે. જો કોઈ સંબંધી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતો હોય તો તેનું નામ અને પોલીસકર્મી સાથેનો સંબંધ દર્શાવવાનો રહેશે.

રેન્જ IG દ્વારા તમામ પોલીસ વડાઓને સાત મુદ્દા આધારિત રિપોર્ટ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં પોલીસકર્મીનું નામ, મૂળ વતન, હાલનું સરનામું, ડી સ્ટાફમાં સેવા કેટલા સમયથી કરી રહ્યા છે અને તેમના સગા-સંબંધીઓ અંગેની વિગતો સામેલ કરવાની રહેશે.

આ પગલાને ડી સ્ટાફની કાર્યપદ્ધતિમાં ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે. સ્વચ્છ છબી અને યોગ્ય પૃષ્ઠભૂમિ ધરાવતા પોલીસ અધિકારી-કર્મચારીઓને મહત્વની જવાબદારી સોંપવા તેમજ ડી સ્ટાફની કામગીરીને વધુ જવાબદારીપૂર્વક અને અસરકારક બનાવવાના પગલાં લેવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, IG નિર્લિપ્ત રાયની કાર્યશૈલીમાં પોલીસ કર્મચારીઓની જવાબદારી અને કાયદાનું પાલન મહત્વનું માનવામાં આવે છે. પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન કાયદા વિરુદ્ધ કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના અગાઉના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે ડી સ્ટાફ અંગે માંગવામાં આવેલા આ વિગતવાર રિપોર્ટને આગામી દિવસોમાં રેન્જ હેઠળના જિલ્લાઓમાં પોલીસ કામગીરીને વધુ વ્યવસ્થિત બનાવવા માટેના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.