રાજકોટમાં ગઈકાલે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં માત્ર પોણા બે ઈંચ જેટલો સામાન્ય વરસાદ ખાબક્યો હતો. પરંતુ આ સામાન્ય વરસાદમાં જ મહાપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.
લોકસંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થઈ છે. શહેરના મવડી તરફના બાપા સીતારામ ચોક, એસ્ટન નાલુ, હેમુ ગઢવી હોલ પાસે, સોરઠીયા વાડી, માસ્તર સોસાયટી, હસનવાડી, નંદા હોલ પાસે અને પોપટપરા નાલુ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
મહાપાલિકાના શાસકો દ્વારા શહેરના કુદરતી પાણીના નિકાલના મુખ્ય સ્ત્રોત સમાન વોકળાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક વોકળાઓ પર પુરાણ કરીને વેચી મારવામાં આવ્યા છે. આ વોકળાઓ પર આલિશાન બિલ્ડિંગોનું નિર્માણ કરી દેવાતાં અને દબાણો સામે તંત્ર દ્વારા ધૃતરાષ્ટ્ર નીતિ અપનાવવામાં આવતાં વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં મોટો અવરોધ ઊભો થયો છે, જેના પરિણામે આજે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગજેન્દ્રસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે 'સ્ટ્રોમ વોટર સિસ્ટમ'ના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હોવા છતાં આ સિસ્ટમ કાર્યરત જ થઈ શકી નથી. હાલમાં શહેરના જે બે-ચાર વોકળાઓ બાકી રહ્યા છે, તેમાંના વોર્ડ નંબર 14 ના જૂના પારડી માર્ગ પર આવેલા વોકળાને પણ નેસ્તનાબૂદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સ્થળે બોક્સ કલવર્ટ બનાવીને બે માળનો કોમ્યુનિટી હોલ અને ફાયર સ્ટેશન બનાવવાની હિલચાલ ચાલી રહી છે, જેનો સ્થાનિક લતાવાસીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ વિસ્તારમાં લગભગ 15 કિલોમીટર દૂરથી પાણીનો ધસમસતો પ્રવાહ આવે છે. સામાન્ય 2 ઈંચ વરસાદમાં જ અહીં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે જો 8 ઈંચ જેટલો ભારે વરસાદ પડે તો લતાવાસીઓએ હિજરત કરવાનો વારો આવે તેમ છે. આ મુદ્દે કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જાગૃત નાગરિકો દ્વારા વિરોધાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઠારીયા કોલોની અને વાણીયાવાડી વચ્ચેના આ ધસમસતા વોકળાના પૂરની સ્થિતિ જોઈને બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય તુરંત રદ કરવામાં નહીં આવે તો હવે આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.