સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા ગરનાળું ગોઠણડૂબ પાણીમાં, વાહનવ્યવહાર બંધ

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા ગરનાળું ગોઠણડૂબ પાણીમાં, વાહનવ્યવહાર બંધ

રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા પોપટપરા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી તેને બંધ કરવામાં આવ્યું છે. જામનગર રોડ અને રેલનગર તરફ જતો વાહનવ્યવહાર અટકી પડતાં હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

જામનગર રોડ અને ભોમેશ્વર તરફથી આવતા વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે ગરનાળામાં નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત ટાળવા માટે સ્થળ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે અને લોકોને પાણીમાં જતાં અટકાવવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની ટીમો જેસીબી મશીન સાથે પાણીના ઝડપી નિકાલની કામગીરીમાં લાગી ગઈ છે.

સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા મુજબ, જામનગર રોડ તરફ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાથી અગાઉ કરતાં પાણી ઝડપથી ઓસરી રહ્યું છે, જ્યારે ભોમેશ્વર-ગાંધીગ્રામ તરફના પાણીના નિકાલ માટે રેલવે ટ્રેક નીચેથી આશરે ₹5 કરોડના ખર્ચે નવી બાયપાસ વોટર લાઇન નાખવાની કામગીરીનું આયોજન છે. જોકે, હાલ હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશો વર્ષો જૂની આ સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે.