રાજકોટના પ્રદ્યુમનનગર વિસ્તારમાં આતશબાજી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.ડી. મકવાણા અને સ્થાનિક વકીલ ભરત જોબનપુત્રાના પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
વકીલના પુત્રનો આક્ષેપ છે કે PI મકવાણાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો, તેમની સાથે ગાળાગાળી કરી અને ધક્કો મારીને અપમાનિત કર્યા. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને પગલે પોલીસ તંત્રની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.
ઘટનાના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશને તાકીદની બેઠક યોજી PI એમ.ડી. મકવાણા સામે કાનૂની પગલાં માટેનો ઠરાવ પસાર કર્યો હતો. બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી હતી.
બાર એસોસિએશનની રજૂઆત અને વાયરલ વીડિયોને ધ્યાનમાં લેતાં રાજકોટ પોલીસ કમિશનરે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. તપાસના અહેવાલ બાદ PI સામે શિસ્તભંગની કે ખાતાકીય પગલાં લેવાશે કે કેમ, તે નિર્ણાયક રહેશે.