સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના પારેવડી ચોક પાસે ડીજે ટેમ્પાએ 5 વાહનોને ટક્કર મારી, બાઈકચાલકનું મોત

રાજકોટના પારેવડી ચોક પાસે ડીજે ટેમ્પાએ 5 વાહનોને ટક્કર મારી, બાઈકચાલકનું મોત

રાજકોટના પારેવડી ચોક ખાતે શનિવારે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ એક પછી એક પાંચ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડીજેનો સામાન ભરીને આઇસર ટેમ્પો ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં પહેલાં આગળ જતી રિક્ષાને અને ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને વાહનોને ટક્કર માર્યા બાદ ટેમ્પાચાલકે આગળ અન્ય બે રિક્ષા અને એક કારને પણ અડફેટે લીધી હતી.

અકસ્માત બાદ ટેમ્પાનું વ્હીલ ફરી વળતાં બાઈકચાલકનું માથું છુંદાઈ ગયું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢીને સારવાર માટે મોકલ્યા હતા.

અકસ્માતનો ભોગ બનનાર પરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, "હું ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પાછળથી આવતી આઇસરે સીધેસીધી મારી ગાડીને ટક્કર મારી હતી. મારી ગાડી સાઇડમાં ફેંકાઈ ગઈ હતી. આઇસર ચાલક વાહન પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને કદાચ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ લાગ્યું હતું."

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આઇસર ચાલકની અટક કરી લીધી છે તથા અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આઇસર ચાલક બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરી રહ્યો છે. પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. તેમજ મૃતકની ઓળખ મેળવી તેના પરિવારને જાણ કરવામાં આવી છે.