રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકો સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. મહિલા ટ્રાફિક પોલીસકર્મીએ આ ફરિયાદ દાખલ કરી છે.
ઘટનાક્રમ મુજબ, રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલ બ્રિજનું નવનિર્માણ થયું છે. ત્યારબાદ રેલ નગર અને શીતલ પાર્ક તરફના માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય માર્ગ પર બેરિકેડ લગાવ્યા છે. છેલ્લા એક સપ્તાહથી રેલનગર વિસ્તારના રહીશો આ ડાયવર્ટ રૂટનો વિરોધ કરી રહ્યા હતા.
આ દરમિયાન પદ્મિનીબા અને સ્થાનિક રહીશોએ પોલીસે લગાવેલા બેરિકેડ બળજબરીપૂર્વક દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ના પાડવા છતાં ફરજમાં અડચણ ઉભી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં ચાર માર્ગ ભેગા થતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા છે અને તેના કારણે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે પોલીસે કોઈપણ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યા વિના જ રસ્તો ડાયવર્ટ કરી દીધો છે, જેના કારણે તેમને ફરીને જવું પડે છે.