સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ: OBC પ્રમાણપત્ર ન મળતાં મજોકઠા આહિર સમાજનો વિરોધ, ધર્મ પરિવર્તન રેલીની ચીમકી

રાજકોટ: OBC પ્રમાણપત્ર ન મળતાં મજોકઠા આહિર સમાજનો વિરોધ, ધર્મ પરિવર્તન રેલીની ચીમકી

રાજકોટમાં મજોકઠા આહિર સમાજના લોકોને OBC પ્રમાણપત્ર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેને લઈને સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે વર્ષ 1978ના સરકારી ઠરાવ (GR) મુજબ તેમને OBC પ્રમાણપત્ર મળતું નથી. આ ઉપરાંત, 1978 પછી સમાજને જનરલ કે OBC, કોઈપણ કેટેગરીમાં યોગ્ય સ્થાન ન મળતાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સમાજના જણાવ્યા અનુસાર, OBC પ્રમાણપત્રના અભાવે અનેક સરકારી કામો અટવાય છે. ખાસ કરીને સમાજના યુવાનો સરકારી નોકરીની તકોથી વંચિત રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મજોકઠા આહિર સમાજની અંદાજે એક લાખ જેટલી વસ્તી હોવાનો દાવો છે. આ સમસ્યાના ઉકેલની માગ સાથે સમાજના લોકોએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.

સમાજના એક નિવૃત્ત આર્મી જવાને પણ આ મુશ્કેલી અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારમાં આર્મીની ફરજ દરમિયાન તેમનો OBC કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતમાં સમાજના લોકોને પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

સમાજના આગેવાનોએ સરકાર સમક્ષ આ પ્રશ્નનો ઉકેલ લાવવાની માગ કરી છે. જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 28 ડિસેમ્બરે ધર્મ પરિવર્તન રેલી યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.