રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા 150 ફૂટ રિંગ રોડ પર 42 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ત્રણ બ્રિજ પૈકી મુંજકા પાસેના બ્રિજના નિર્માણમાં ક્ષતિઓ અને એલાઈનમેન્ટમાં વાંધો સામે આવ્યો છે. આ મામલે મનપા કમિશનર તુષાર સુમેરાએ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન બેદરકારી જણાતાં તેમણે નાયબ ઈજનેર વી.સી. કારીયા અને આસિસ્ટન્ટ ઈજનેર વિશાલ વાગડીયાને સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત, ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી અને સીટી ઈજનેર કુંતેશ મહેતાને કારણ દર્શક નોટિસ પાઠવી ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે.
સુરતની એસવીએનઆઈટી કોલેજના પ્રોફેસર અનિલ દેસાઈના રિપોર્ટ મુજબ બ્રિજમાં જેકેટીંગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ગંભીર બેદરકારી બદલ કમિશનરે નિર્માણકર્તા બેગબોન કંપની અને ડેલ્ફ એન્જિનિયરને નોટિસ આપી કડક કાર્યવાહીની ખાતરી આપી છે.