રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લે પારદર્શક વહીવટ માટે દરેક પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરનું નામ, નંબર, ખર્ચ અને ગેરંટી પીરિયડ જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ પ્રથમ પ્રોજેક્ટમાં જ આ આદેશનો ઉલાળિયો કરવામાં આવ્યો છે.
હરિહર ચોકમાં તૈયાર થયેલા બ્રિજ પર લગાવવામાં આવેલા બોર્ડમાં કોન્ટ્રાક્ટરના નંબરને બદલે મનપાના ફરિયાદ કોલ સેન્ટરનો નંબર લખવામાં આવ્યો છે. જોકે મેયરે સ્પષ્ટ કહ્યું હતું કે હવે પછીના કામોમાં કોન્ટ્રાક્ટરના નંબર લખવામાં આવશે.
સ્થાનિક લોકોના મતે મનપાના કોલ સેન્ટર પર કોઈ જવાબ આપતું નથી. જો કોન્ટ્રાક્ટરનો નંબર લખવામાં આવે તો કોન્ટ્રાક્ટર પર દબાણ રહે અને લોકો સીધો સવાલ કરી શકે. લોકોએ બોર્ડમાં જવાબદાર એન્જિનિયરનો નંબર પણ લખવાની માંગ કરી છે.
બીજી તરફ વિપક્ષે આ મુદ્દે મનપાના શાસકો પર કોન્ટ્રાક્ટરને બચાવવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ કહ્યું કે મનપાના શાસકો મોટી મોટી વાતો કરે છે અને કોન્ટ્રાક્ટરને બચાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની વિગતો જાહેર કરવામાં આવે તો તેની પોલ ખુલી જાય માટે જાહેર કરતા નથી.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરની ત્રણ વર્ષમાં જવાબદારી પૂરી થતી હોય છે, તેથી લોકોને કોઈ સમસ્યા હોય તો તેઓ સીધા મહાનગરપાલિકાને ફરિયાદ કરી શકે તે હેતુથી કોન્ટ્રાક્ટરના નંબરને બદલે મનપાના નંબર લખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે સવાલ એ છે કે મહાનગરપાલિકાના જે નંબર સાઇન બોર્ડમાં દર્શાવવામાં આવ્યા છે તે નંબર પહેલેથી જ લોકો પાસે ઉપલબ્ધ છે અને અગાઉ પણ લોકો આ જ નંબર પર ફરિયાદ કરતા હતા. એક તરફ મેયરે પારદર્શક વહીવટની વાતો સાથે આ નંબર લખવામાં આવશે તેવા દાવા કર્યા હતા, તો અચાનક કોન્ટ્રાક્ટર પ્રત્યે કૂણું વલણ કેમ દાખવવામાં આવ્યું તે સવાલ છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારી બંનેના નંબર લખવામાં આવે તો કામ કરનારને પણ જવાબદારીનો ભય રહે.
આમ, મનપાના મેયરે મીડિયા સમક્ષ કરેલી મોટી વાતો માત્ર સરકારી તખ્તી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.