સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં માતાએ જ બાળકીને પાંચમા માળેથી ફેંકી દીધી, પોલીસને ખોટી સ્ટોરી કહી ગુમરાહ કરી

રાજકોટમાં માતાએ જ બાળકીને પાંચમા માળેથી ફેંકી દીધી, પોલીસને ખોટી સ્ટોરી કહી ગુમરાહ કરી

રાજકોટના કુવાડવા રોડ પરની એક સોસાયટીમાં 12 ઓક્ટોબરની સાંજે 7 વાગ્યા આસપાસ બે વર્ષ અને ચાર મહિનાની બાળકી પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શરૂઆતમાં એવી શંકા ઉઠી હતી કે કોઈએ બાળકીને ફેંકી દીધી છે, કારણ કે જ્યાંથી બાળકી નીચે પડી તે જગ્યાએ ચાર ફૂટ જેટલી ઊંચી દીવાલ છે અને તે બાળકી જાતે ચડી શકે તેમ નહોતી.

પોલીસે તપાસ શરૂ કરી ત્યારે બાળકીની માતાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, ઘટનાના સમયે હું બાથરૂમમાં હતી ત્યારે મને મમ્મી-મમ્મી એવો અવાજ સંભળાયો હતો. હું બહાર નીકળી અને પડોશીઓને પૂછ્યું કે ઢીંગું અહીં છે? બધાએ કહ્યું કે અહીં નથી. ચોથા માળે પૂછ્યું તો ત્યાંથી પણ એવો જ જવાબ મળ્યો. પાંચમા માળે ગઈ તો લોકો વાતો કરતા હતા કે કોઈનું બાળક નીચે પડ્યું છે. લિફ્ટથી નીચે ગઈ તો તે મારી જ પુત્રી હતી. આટલું કહેતી વખતે મહિલાએ બે-ત્રણ વાર બેભાન થવાનું નાટક પણ કર્યું હતું અને તેના મોઢા પર પાણી છાંટીને તેને જગાડવામાં આવી હતી.

બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી.આર. ચૌહાણ સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે માતા, પરિવારજનો અને પડોશીઓ સહિત 15 લોકોની આકરી પૂછપરછ કરી હતી. પંચનામાની કાર્યવાહી બાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પોલીસે સોસાયટીના સીસીટીવી કેમેરા પણ ચકાસ્યા, પરંતુ તેમાં રેકોર્ડિંગ થતું ન હોવાનું જાણવા મળ્યું હતું. શરૂઆતની પૂછપરછમાં જાણવા મળ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી કોઈ વ્યક્તિ કપડાં, ચાદર, ગોદડાં, ચપ્પલ અને કુંડા પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દેતું હતું. બાળકીની માતાએ પણ ખોટી સ્ટોરી ઘડી હતી કે બાળકીને કોઈએ ફેંકી દીધી છે. પરંતુ માતાની આકરી પૂછપરછ કરતાં તેણે પોતે જ બાળકીને ફેંકી દીધાની કબૂલાત આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિણીતા પતિ સાથે થઈ રહેલા ઝઘડાને કારણે પોતાની બાળકી સાથે માવતર રહેતી હતી અને તેને અન્ય પ્રેમસંબંધ હોવાથી તેને દીકરી ગમતી નહોતી. હાલ પોલીસ બાળકીના પિતાને ફરિયાદી બનાવવા માટેની તજવીજ કરી રહી છે.