સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના મોરબી રોડ પર ટ્રકે કાર અને રિક્ષાને ટક્કર મારી, ગાયિકા મીરા આહીરના ભાઈ સહિત બેના મોત

રાજકોટના મોરબી રોડ પર ટ્રકે કાર અને રિક્ષાને ટક્કર મારી, ગાયિકા મીરા આહીરના ભાઈ સહિત બેના મોત

રાજકોટના મોરબી રોડ પર 23 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:30 વાગ્યે ગંભીર અકસ્માત થયો હતો. હડાળા ગામ નજીક વિશાલ ચાની હોટલ પાસે પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે રસ્તાની સાઇડમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કાર અને એક રિક્ષાને અડફેટે લીધી હતી.

આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતકોમાં ભાવનગર રોડ પર રહેતા 45 વર્ષીય અજિઝશાહ જીલુશાહ શાહમદાર અને બેડી ગામે રહેતા 20 વર્ષીય કાનો હુંબલનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર અજિઝશાહ પોતાના પુત્ર સાથે રિક્ષામાં મોરબી ખાતે ઉર્સમાં જઈ રહ્યા હતા. અજિઝશાહના પત્ની બે દિવસ પિયરમાં હોવાથી આખો પરિવાર ત્યારબાદ રાજકોટ પરત ફરવાનો હતો. પરંતુ પિતા-પુત્ર મોરબી પહોંચે તે પહેલાં જ પુત્રની આંખ સામે પિતાનું મોત થયું હતું.

બીજા મૃતક કાનો હુંબલ માધાપર ગામ નજીક રહેતો હતો. તે સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયિકા મીરા આહીર સહિત પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો. ગઈકાલે રાત્રે તે મિત્રો સાથે આંટો મારવા અને ચા પીવા નીકળ્યો હતો. અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકની ટક્કરથી કાર અને રિક્ષા બંનેને ભારે નુકસાન થયું હતું.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ ટંકારા નજીક ટ્રક મૂકીને પોતે ફરાર થઈ ગયો હતો. કુવાડવા પોલીસે ટ્રક કબજે કરી છે, બંને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

એકના એક ભાઈને ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે કલ્પાંત છવાયો છે.