સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં મહિલા સહિત 3 ઝડપાયા, 2 ફરાર

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં મહિલા સહિત 3 ઝડપાયા, 2 ફરાર

રાજકોટના ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે રહેતા 40 વર્ષીય રમેશભાઈ ચાવડા અને તેમની પત્ની ભારતીબેન ચાવડાએ 25 ઓક્ટોબરની રાત્રે પોતાના કારખાનામાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ, રમેશભાઈએ લસણનો ધંધો શરૂ કરવા માટે મોરબી અને રાજકોટના શખ્સો પાસેથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેમણે આ દેવા સામે ટૂંકા ગાળામાં 6 લાખ અને ત્યારબાદ વધુ 15 લાખ મળીને કુલ 21 લાખ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હતા. છતાં વ્યાજખોરોની માંગણી ચાલુ જ હતી અને તેઓ રોજની તોતિંગ રકમની માંગ કરીને દંપતી પર દબાણ કરતા હતા. આર્થિક ભીંસ અને ત્રાસથી કંટાળીને દંપતીએ આ પગલું ભર્યું હતું.

આ ઘટનાને પગલે પોલીસે 27 ઓક્ટોબરે પાંચ વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આજે કાર્યવાહી કરીને એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફકરૂનિશા મહંમદ હુસેન બુખારી (રહે. રાજકોટ), ગોગન કાળાભાઈ બધીયા (રહે. મોરબી) અને નિઝામ અબ્બાસભાઈ ઢુસા (રહે. રાજકોટ)નો સમાવેશ થાય છે. બાકીના બે આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ તેમજ વ્યાજખોરી ડામવા માટે કાર્યવાહી વધુ તેજ કરી છે.

આ કરુણાંતિકાથી દંપતીના 15 વર્ષના એકમાત્ર પુત્રએ માતા-પિતા ગુમાવ્યા છે અને તે સંપૂર્ણપણે નોંધારો બન્યો છે. એક જ ઘરમાંથી પતિ-પત્નીની એકસાથે અર્થી ઉઠતાં સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પીડિત પરિવારે સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ કસૂરવાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી અન્ય કોઈ પરિવારને આવો દિવસ ન જોવો પડે.