સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં પ્લે સ્ટોરમાં એપ અપડેટ કરતાં મોબાઇલ હેક, યુવકના ખાતામાંથી 98,000 રૂપિયા ઉપડ્યા

રાજકોટમાં પ્લે સ્ટોરમાં એપ અપડેટ કરતાં મોબાઇલ હેક, યુવકના ખાતામાંથી 98,000 રૂપિયા ઉપડ્યા

રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના નિરંજન નિશાદ (ઉંમર 23) નો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પ્લે સ્ટોરમાં એપ અપડેટ કરવા જતાં હેક થઈ ગયો હતો. આ ઘટનામાં તેમના બેંક ખાતામાંથી UPI દ્વારા કુલ 98,000 રૂપિયા ઉપડી ગયા હતા. મેટોડા જીઆઈડીસી પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ માહિતી અનુસાર, નિરંજન નિશાદ છેલ્લા ચાર વર્ષથી મેટોડા જીઆઈડીસી ગેટ નં. 3 પાસે આવેલી શક્તિ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝમાં સીએનસી મશીન ઓપરેટર તરીકે કામ કરે છે અને કારખાનાની ઓરડીમાં જ રહે છે.

ગત 31 ઓક્ટોબરના રોજ તેઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના મોબાઇલમાં પ્લે સ્ટોર પરથી બધી એપ અપડેટ કરવાનું આવ્યું હતું. તેમણે એપ અપડેટ કરીને મોબાઇલ ખિસ્સામાં મૂકી દીધો અને કામમાં લાગી ગયા. થોડી વાર પછી ટાઇમ જોવા માટે મોબાઇલ જોયો ત્યારે સ્ક્રીન પર 'નો કમાન્ડ' લખેલું દેખાયું. એટલે તેમને લાગ્યું કે એપ હજુ અપડેટ થઈ રહી છે અને તેઓ ફરી કામે લાગી ગયા.

થોડી વાર બાદ મોબાઇલ તપાસ્યો તો તેમના ખાતામાંથી 83,000 રૂપિયા અને 15,000 રૂપિયા એમ બે અલગ-અલગ UPI ટ્રાન્સફર થયાના સંદેશા આવ્યા હતા. આ જોઈને તેઓ તરત જ તેમના સુપરવાઇઝર પ્રિતેશ પાસે ગયા અને ફ્રોડની શંકા જણાવી.

બાદમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવતાં મેટોડા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં કામ કરતા શ્રમિકોના મોબાઇલ ફોન હેક કરીને ખાતામાંથી પૈસા ઉપાડવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.