સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં 12 વર્ષની સગીરાને કેટરિંગના બહાને લઈ જઈ દેહવ્યાપારમાં ધકેલાઈ, પાડોશી મહિલા સહિત બેની ધરપકડ

રાજકોટમાં 12 વર્ષની સગીરાને કેટરિંગના બહાને લઈ જઈ દેહવ્યાપારમાં ધકેલાઈ, પાડોશી મહિલા સહિત બેની ધરપકડ

રાજકોટના આજીડેમ વિસ્તારમાં 12 વર્ષની સગીરાને કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવાની ઘટના સામે આવી છે. પોલીસે પાડોશમાં રહેતી મહિલા અને તેની બહેનપણીની ધરપકડ કરી છે.

પોલીસ મુજબ, 11 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે પાડોશી મહિલાએ સગીરાને કેટરિંગના કામની લાલચ આપીને ગોંડલ ચોકડી લઈ જવામાં આવી હતી. ત્યાંથી રિક્ષામાં આજીડેમ ચોકડી લઈ જવામાં આવી, જ્યાં એક યુવક તેમને એક્ટિવા પર માંડા ડુંગર વિસ્તારના એક મકાનમાં લઈ ગયો હતો. આ મકાનમાં ચાર દિવસ સુધી પાડોશી મહિલા અને તેની બહેનપણી અલગ-અલગ પુરુષોને બોલાવીને સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બંધાવતી હતી. તેના બદલામાં તેઓ પુરુષો પાસેથી નાણાં લેતી અને સગીરાને માત્ર રૂ. 500 આપતી હતી.

14 સપ્ટેમ્બરે બપોરે સગીરાની માતા કામ પર હતી ત્યારે પાડોશી મહિલાનો ફોન આવ્યો. તેણે પૂછ્યું કે તમારી દીકરી ક્યાં છે. માતાએ દાદીના ઘરે હોવાનું કહ્યું, તો પાડોશીએ જણાવ્યું કે દીકરી દાદીના ઘરે નથી, પણ કોઈક સાથે ક્યાંક જાય છે. આથી માતા તરત ઘરે ગઈ અને આસપાસ શોધખોળ કરી, પણ દીકરી ન મળી. સાંજે 6 વાગ્યે બાજુની સોસાયટીમાં રહેતી મહિલા સગીરાને લઈને ઘરે આવી. માતાએ પૂછતાં તેણે કહ્યું કે તેને કેટરિંગના કામમાં લઈ ગઈ હતી અને રોકડા રૂ. 500 આપ્યા. જ્યારે માતાએ કેટરિંગવાળાનો નંબર માગ્યો તો તેણે નંબર આપવાની ના પાડી.

પિતા ઘરે આવ્યા બાદ માતાએ બનાવની જાણ કરી. માતા-પિતાએ દીકરીને પૂછ્યું કે પાડોશી તેને ક્યાં લઈ ગયા હતા, ત્યારે સગીરા જોરજોરથી રડવા લાગી. માતાએ તેને છાની રાખી અને ડર્યા વગર સાચું કહેવા કહ્યું, જેથી સગીરાએ પોતાની આપવીતી જણાવી. આજીડેમ પોલીસે પોક્સો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.