રાજકોટની એમ.જી. હોસ્ટેલમાં પીરસવામાં આવતી દાળમાં જીવડા નીકળ્યાનો આરોપ સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે.
ઘટનાની જાણ થતાં જ એનએસયુઆઈ (NSUI) નેતાઓ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં વારંવાર અખાદ્ય અને જીવાતવાળું અશુદ્ધ ભોજન પીરસવામાં આવે છે. તેમણે મેસ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. વિરોધમાં જોડાયેલા એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
બીજી તરફ, ઘટનાની ગંભીરતા જોઈને જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક આનંદબા ખાચર પોતે હોસ્ટેલ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ બાદ તેમણે વિદ્યાર્થીઓના તમામ આરોપોને ફગાવી દેતાં કહ્યું હતું કે દાળ કે રસોઈમાંથી કોઈ જીવાત મળી આવી નથી. જોકે, લાઈટના કારણે ઉપરથી ઉડીને જીવાત પડી હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
અધિકારીના આ નિવેદનથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદથી હોસ્ટેલોમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
આ હોસ્ટેલનું સંચાલન રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ હસ્તક છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાત્કાલિક ખોરાકના સેમ્પલ લે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરી તેનો કોન્ટ્રાક્ટ રદ કરે. જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.