રાજકોટ શહેરમાં બહારગામથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થયાની ઘટના સામે આવી છે. રાજકોટની પ્રખ્યાત એમ.જી. હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજનમાં જીવડું (જીવાત) નીકળવાની ફરિયાદ કરતાં હોસ્ટેલ વહીવટીતંત્રની બેદરકારી ઉજાગર થઈ છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના રહેવા અને ભોજન માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ અને ચિંતાજનક હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
તાજેતરમાં 'એબીપી અસ્મિતા' દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં એમ.જી. હોસ્ટેલની દયનીય અને દુર્ગંધયુક્ત સ્થિતિનો પર્દાફાશ થયો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. રસોડામાં તપાસ કરતાં ભારે ગંદકી જોવા મળી હતી. વધુમાં, હોસ્ટેલના સ્ટોરેજ ફ્રિજમાંથી સડેલી ડુંગળી અને વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવાના દાવાઓ વચ્ચે જમવામાં પાણી જેવી પાતળી છાશ પીરસવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરની વિવિધ હોસ્ટેલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 'સમરસ હોસ્ટેલ'માં પણ કાચી રોટલી અને અખાદ્ય ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. સમરસ હોસ્ટેલનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં બીજા દિવસે એમ.જી. હોસ્ટેલમાં પણ આવી જ લાપરવાહી જોવા મળતાં સરકારી તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ મુકાયો છે.
અખાદ્ય ખોરાક અને રસોડાની ગંદકીના કારણે હોસ્ટેલમાં રહેતા નિર્દોષ છાત્રોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વાસી ખોરાક અને સડેલા શાકભાજીના ઉપયોગથી ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર બીમારીઓ ફેલાઈ શકે છે. આજે રોટલીમાંથી જીવાત નીકળતાં એમ.જી. હોસ્ટેલના વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેઓએ સંચાલકો સામે રોષભેર સવાલો ઉઠાવ્યા હતા. લોકો અને વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્ય સાથે રમત રમનાર જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભોજનની ગુણવત્તાના નિયમોનું ચુસ્તપણે પાલન થાય.