રાજકોટની કાલાવડ રોડ પર આવેલી એમ.જી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજનમાં ગંદકી અને અખાદ્ય સામગ્રી હોવાનો આરોપ મૂક્યો છે. હોસ્ટેલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાંથી અંદાજે 250 વિદ્યાર્થીઓ રહે છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને પરોસાતું ભોજન વારંવાર બગડેલું હોય છે અને તેમાં જીવાત જોવા મળે છે. જમવાનું બનાવવા માટે સડેલા શાકભાજીનો ઉપયોગ થાય છે. આ અંગે વિદ્યાર્થીઓએ હોસ્ટેલના સંચાલકોને ફરિયાદ કરી હતી, પરંતુ વારંવારની ફરિયાદો છતાં કોઈ ઠોસ સુધારો થતો નથી એવો તેમનો આરોપ છે.
ઘટનાની તપાસ માટે જ્યારે એબીપી અસ્મિતાની ટીમ હોસ્ટેલમાં પહોંચી ત્યારે રસોડું અને ફ્રીજમાં ગંદકી જોવા મળી હતી. શાકભાજી પણ વાસી અને સડેલા હાલતમાં મળી આવ્યા હતા.
વિદ્યાર્થીઓના ભોજન અને રહેવા-રહેઠાણ માટે સરકાર મોટી રકમ ખર્ચે છે, પરંતુ સામે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળતી નથી એવી ફરિયાદ છે. આથી વિદ્યાર્થીઓમાં રોષનું વાતાવરણ છે.