સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના માધવ પાર્ક કોમન પાર્કિંગમાં 5 કાર બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

રાજકોટના માધવ પાર્ક કોમન પાર્કિંગમાં 5 કાર બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર પુનિત નગર પાછળ આવેલા માધવ પાર્ક વિસ્તારના કોમન પાર્કિંગમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર એક કારમાં આગ લાગી હતી, જે જોતજોતામાં બાજુમાં પાર્ક કરેલી અન્ય કાર સુધી ફેલાઈ ગઈ હતી. પરિણામે કુલ પાંચ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધૂમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી જોવા મળતા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સ્થાનિક લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ ચાલુ છે.