સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ લોકમેળો 2026: પ્રથમ દિવસે વેપારી-ગ્રાહક વચ્ચે બોલાચાલી, રાઈડ્સ બંધ રાખવામાં આવી

રાજકોટ લોકમેળો 2026: પ્રથમ દિવસે વેપારી-ગ્રાહક વચ્ચે બોલાચાલી, રાઈડ્સ બંધ રાખવામાં આવી

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા 'વિરાસતથી વિકાસ-2026' લોકમેળાના પ્રથમ દિવસે એક વેપારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ બાબતે શરૂ થયેલી દલીલ ગરમાતાં ગ્રાહકે વેપારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર અન્ય વેપારીઓ અને સ્થાનિક લોકોએ ઝડપથી હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

તો બીજી તરફ, મેળામાં મોટાભાગની રાઈડ્સ સુરક્ષા તપાસ અને મંજૂરીના અભાવે બંધ રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા પ્રાથમિકતા છે. કોઈ પણ રાઈડને યોગ્ય ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે. અગાઉના વર્ષોની સરખામણીએ આ વખતે પ્રથમ દિવસે ભીડ ઓછી જોવા મળી હતી, પરંતુ મુખ્ય તહેવારના દિવસોમાં ભીડ વધવાની અપેક્ષા છે. આ વર્ષે મેળામાં 10 લાખથી વધુ લોકો આવશે તેવો અંદાજ છે.

મેળાની તૈયારીઓ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાણીપીણીના સ્ટોલની તપાસ કરી હતી. લગભગ 45 થી 50 સ્ટોલ પર પાઉં-ભાજી, ભેળ, ઢોકળા વગેરે ખાદ્ય પદાર્થો વેચવામાં આવશે. વિક્રેતાઓને પ્રતિબંધિત રંગ, વાસી શાકભાજી અને એક્સપાયરી થયેલી વસ્તુઓ ન વાપરવા સૂચના આપવામાં આવી છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આનંદ અને મનોરંજનની સાથે સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી થાય છે.