સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ લોધિકા સંઘમાં 300 કરોડના ફંડ પર ભાજપમાં ખેંચતાણ, ચેરમેનપદની વરણી બે મહિનાથી અટકી

રાજકોટ લોધિકા સંઘમાં 300 કરોડના ફંડ પર ભાજપમાં ખેંચતાણ, ચેરમેનપદની વરણી બે મહિનાથી અટકી

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ચૂંટણીના બે મહિના વીતી જવા છતાં ભાજપના આંતરિક જૂથવાદને કારણે ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી હજુ સુધી અટકી પડી છે. સંઘ પાસેના અંદાજે 300 કરોડના ફંડ પર વર્ચસ્વ જમાવવા માટે જયેશ રાદડિયા જૂથ અને ભાજપ સંગઠન જૂથ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

સંઘના ડિરેક્ટરોની ચૂંટણીને બે મહિના થઈ ગયા છે, પણ ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી ન થવાથી સહકારી ક્ષેત્રમાં રાજકીય ચર્ચા તેજ બની છે. સાંસદ પરસોત્તમ રૂપાલાએ આ ફંડ અંગે ટકોર કરતાં વિવાદ વધુ ઊંડો બન્યો છે.

જયેશ રાદડિયા જૂથ પાસે 10થી 11 ડિરેક્ટરોનું સંખ્યાબળ છે અને તેઓ ચેરમેનપદ માટે નીતિન ઢાંકેચા તથા સંજય અમરેલિયાના નામ ચર્ચામાં લાવ્યા છે. સામે ભાજપ સંગઠન જૂથ પણ નમતું જોખવા તૈયાર નથી અને બાબુભાઈ નસીતનું નામ ચર્ચામાં મૂકીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. સંગઠનની આ આંતરિક મુશ્કેલીઓને કારણે દિવાળી પછી પણ વરણી થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે.

આ ખેંચતાણ સહકારી સંસ્થાઓની સ્વાયત્તતા અને પક્ષની છબી પર અસર પાડી રહી છે. આગામી સમયમાં સ્થાનિક રાજકીય સમીકરણો પર તેની અસર પડી શકે છે.