રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં વિવાદ વકર્યો છે. કુલ 15માંથી 13 બેઠક ભાજપે જીતી છે, પરંતુ બે બેઠક પર બળવાખોર ઉમેદવારો વિજય થયા છે.
માધાપર જૂથની બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડેલા પૃથ્વીસિંહ જાડેજાને પછડાટ આપનાર વિજય સખીયાએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પર નિશાન સાધ્યું છે.
ચૂંટણી પરિણામ બાદ અલ્પેશ ઢોલરીયાએ નિવેદન આપ્યું હતું કે વિજય સખીયા ભાજપના કાર્યકર્તા નથી. જવાબમાં સખીયાએ કહ્યું કે, "અલ્પેશભાઈથી બધા નારાજ છે અને એ ખોટું બોલે છે. મતદારો પર દબાણ કરવામાં આવ્યું છે. હું પ્રદેશ ભાજપને કહેવા માંગુ છું કે જિલ્લા પંચાયતના સભ્યોને પૂછી લો કે અલ્પેશભાઈએ કોની સાથે આર્થિક વ્યવહાર કર્યા છે?"
સખીયાએ પોતે ભાજપના સભ્ય હોવાનો પુરાવો આપતા વ્હીપ રજૂ કર્યો હતો અને ઢોલરીયા પર આર્થિક વ્યવહારના આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, "2016માં નાગદાનભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ હતા ત્યારે હું રાજકોટના પડધરી તાલુકાનો પ્રભારી હતો. ભાજપે મને વ્હીપ આપ્યો, તો પછી હું ભાજપમાં ન હોઉં એવું કેમ કહેવાય?"
રાદડિયા અંગે સખીયાએ જણાવ્યું કે, "જયેશભાઈ સાથે અમારે પારિવારિક સંબંધ છે, પરંતુ આ ચૂંટણીમાં એવું કંઈ નહોતું. અરવિંદભાઈએ ગઈકાલે કહ્યું કે બે વ્યક્તિએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું, તો હું કહું છું કે શહેરના હોદ્દેદારોને પૂછી લો. સેન્સ પ્રક્રિયામાં પણ મારા મતદારો ગયા હતા અને બે વ્યક્તિએ મારી સેન્સ આપી હતી. છતાં અલ્પેશભાઈ અને એક-બે લોકોના કહેવાથી ટિકિટ આપી દેવાઈ."
તેમણે વધુમાં કહ્યું કે, "મને નથી લાગતું કે ઉપરથી કંઈ થાય છે. આ બે-ત્રણ જણા જ અહીં ચલાવે છે. જેમાં અલ્પેશભાઈ ઢોલરીયા અને જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્યા સામેલ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠનને કહું છું કે પહેલા મારી હિસ્ટ્રી ચેક કરો. મેં ક્યારેય પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે?"
આ ઉપરાંત એક મતદાર લખમણભાઈ વિરાણીએ આરોપ લગાવ્યો હતો કે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા અને ચેતન પાણના કહેવાથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સહી કરવાની છે તેમ કહી વાડીમાંથી પકડીને ગાડીમાં બેસાડી દ્વારકા લઈ જવાયા હતા. ત્યાંથી તેમણે સરપંચને ફોન કરીને મદદ માંગી હતી. જોકે, પૈસાની લાલચ આપવામાં આવી નહોતી.
ઉલ્લેખનીય છે કે એક સમયે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા રાજકોટમાં સહકારી સંસ્થાઓનું નેતૃત્વ કરતા હતા. 2019માં તેમના અવસાન બાદ તેમના પુત્ર જયેશ રાદડિયાએ કમાન સંભાળી છે. પરંતુ સી.આર. પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા લાગુ કરતાં વિવાદો શરૂ થયા હતા.
રાજકોટ લોધિકા સંઘમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટના નજીકના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ ચેરમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરતાં જૂથવાદ શરૂ થયો હતો. ભાજપે એક પણ ઉમેદવારને મેન્ડેટ ન આપતાં બધાને ફોર્મ ભરવા સૂચના આપી હતી.
સૌરાષ્ટ્રના પ્રભારી અનિરુદ્ધ દવે અને જયેશ રાદડિયા વચ્ચે બેઠક બાદ 10 સીટ બિનહરીફ થઈ હતી, પરંતુ 5 બેઠક પર સમાધાન ન થતાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં અરવિંદ રૈયાણી ચેરમેન અને પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજા વાઈસ ચેરમેન બન્યા હતા. કોરાટ જૂથમાંથી માત્ર એક જ ડિરેક્ટર બનતાં રાદડિયાનો પાવર અકબંધ રહ્યો છે.