સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી: ભાજપના મેન્ડેટને ધોબી ધોતા રાદડિયા જૂથનો વિજય

રાજકોટ લોધિકા સંઘ ચૂંટણી: ભાજપના મેન્ડેટને ધોબી ધોતા રાદડિયા જૂથનો વિજય

રાજકોટ: રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીના પરિણામમાં ભાજપની સત્તાવાર મેન્ડેટ પ્રથાને જોરદાર ફટકો પડ્યો છે. આ ચૂંટણીમાં ચૂંટાયેલી 5 બેઠકોમાંથી 3 બેઠક પર જયેશ રાદડિયા જૂથના ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે ભાજપના મેન્ડેટ ધરાવતા 3 ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે.

સંઘની કુલ 15 બેઠકોમાંથી 10 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ હતી. બાકીની 5 બેઠકો પર આજે પરિણામ જાહેર થયા. સૌથી ચર્ચિત કુવાડવા બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને માત્ર પોતાનો 1 મત મળ્યો, જ્યારે રાદડિયા જૂથના નીતિન ચોવટિયા વિજેતા બન્યા.

માધાપર બેઠક પર રાદડિયા જૂથના વિજય સખિયાએ પ્રશાંત કોરાટ જૂથના પૃથ્વીસિંહ જાડેજાને હરાવ્યા. હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયાએ જીત મેળવી. ત્રંબા બેઠક પર મતગણતરી ટાઈ થતાં ચિઠ્ઠીથી નસીબે ભાજપના નીતિન રૈયાણીનો સાથ આપ્યો. ખોખળદડ બેઠક પર ભાજપ મેન્ડેટ ધરાવતા બાબુભાઈ નસીત વિજેતા જાહેર થયા.

આ પરિણામોથી રાજકોટ જિલ્લાના સહકારી માળખા પર જયેશ રાદડિયાની પકડ ફરી એકવાર સાબિત થઈ છે. આગામી સમયમાં રાજકોટ માર્કેટ યાર્ડ અને જિલ્લા સહકારી બેંકની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આ સમીકરણો તેમાં પણ રાદડિયા જૂથને લાભ થવાના સંકેત આપે છે.

આ ચૂંટણી પછી કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપે સહકારી માળખાને રાજકારણનો અખાડો બનાવી દીધું છે. કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ઇફકોની ચૂંટણીનો સંદર્ભ આપતાં કહ્યું કે જયેશ રાદડિયા પહેલા પણ મેન્ડેટ વિરુદ્ધ જીત્યા હતા, એટલે ભાજપ પાસે શિસ્તભંગની કાર્યવાહી કરવાની તાકાત નથી.