રાજકોટના પેલેસ રોડ પર આવેલા રણજિત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિ નિમિત્તે ક્ષત્રિય સમાજની 200 જેટલી બહેનોએ તલવાર રાસ રજૂ કર્યો હતો. ડીજે કે આધુનિક ગરબાના બદલે તેમણે પ્રાચીન પરંપરાને જીવંત રાખી હતી.
રણજિત વિલાસ પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસનું આયોજન થાય છે. આ વર્ષે પણ બીજા અને ત્રીજા નોરતે બે દિવસ ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એકસાથે 200 જેટલી ક્ષત્રિય બહેનોએ ભાગ લીધો હતો. ખુલ્લી જીપ અને બાઇક પર ઊભા રહીને તલવાર રાસ રમતાં જોનારને ઘોડેસવાર વીરાંગનાઓની ઝાંખી થઈ હતી. તલવાર રાસ ઉપરાંત બહેનોએ દીવડા રાસ, થાળી રાસ અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો.
કાર્યક્રમનું આયોજન પણ સમાજની બહેનોએ કર્યું હતું. મહારાણી કાદંબરીદેવીએ જણાવ્યું કે, બ્રહ્મચારિણી ભગવતી દેવીની આરાધના સાથે કાર્યક્રમની શરૂઆત થાય છે. આ કાર્યક્રમ ભગિની સેવા ફાઉન્ડેશનની બહેનો દ્વારા કરવામાં આવે છે, જેઓ બધી ક્ષત્રિય બહેનો છે. તેમણે કહ્યું કે આયોજનની સાથે પૂરી મહેનત અને વ્યવસ્થા પણ ક્ષત્રિય બહેનો કરે છે. સ્ટંટ જોવામાં સરળ લાગે છે, પરંતુ તેની પાછળ એક મહિનાથી ચાલતી કઠિન તાલીમ છે.
મહારાણીએ કહ્યું કે અમારો મુખ્ય રાસ તલવાર રાસ છે. આપણી દિવ્ય કળા-સંસ્કૃતિને માન-મર્યાદા અને સન્માન મળવું જોઈએ. ક્ષત્રિય સમાજની બહેનો પૂરા જોશ અને ઉત્સાહથી પોતાની સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે સમય સાથે અર્વાચીન ગરબા થાય છે, તેમાં ખરાબી નથી, પરંતુ કેટલાક દિવસ પોતાની સંસ્કૃતિ માટે સમર્પિત કરવા જોઈએ, જેથી આવનારી પેઢીને ખબર પડે કે આપણી સંસ્કૃતિ કેટલી ઉજ્જવળ અને દિવ્ય છે.
દેવ્યાનીબા ઝાલાએ કહ્યું કે નવરાત્રિમાં દર વર્ષની જેમ આ વખતે પણ પેલેસમાં તલવાર રાસનું આયોજન થાય છે. તેમણે દીવા રાસ, પ્રોપ રાસ અને કાર સ્ટંટમાં ભાગ લીધો છે. પ્રેક્ટિસ માટે લીડર્સ બહુ સરસ રીતે સપોર્ટ કરે છે અને વ્યવસ્થિત શીખવે છે. મહિનાથી પ્રેક્ટિસ ચાલતી હતી. તેમણે કહ્યું કે સંસ્કૃતિ ભૂલાઈ રહી છે, તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે ભગિની સેવા ફાઉન્ડેશન દર વર્ષે પ્રાચીન ગરબીઓને સાથે રાખીને સાંસ્કૃતિક વારસો યાદ અપાવે છે. તેમણે સંદેશો આપ્યો કે આપણે આપણી સંસ્કૃતિને સાથે રાખીને આગળ ચાલીએ તો બધું સરસ ચાલે છે.
ભગિની સેવા ફાઉન્ડેશન છેલ્લા 15 વર્ષથી હેરિટેજ વોક, સાફા બાંધવાની તાલીમ, પર્યાવરણ જાગૃતિ અને સૈનિકોને ઇકો-ફ્રેન્ડલી રાખડી મોકલવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. આ સંસ્થા દ્વારા બાઇક પર તલવાર રાસ શીખવવાની ખાસ શિબિર યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પહેલાં પણ ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.