સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં નવરાત્રિ પહેલાં લૂંટ અને ગોળીબાર: જ્વેલર્સ કર્મચારીનું મોત, 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ લૂંટાયો

રાજકોટમાં નવરાત્રિ પહેલાં લૂંટ અને ગોળીબાર: જ્વેલર્સ કર્મચારીનું મોત, 1 કરોડ 60 લાખનો મુદ્દામાલ લૂંટાયો

રાજકોટમાં નવરાત્રિના પર્વ પહેલાં આજી વસાહત વિસ્તારમાં લૂંટ અને ગોળીબારની ઘટના બની છે. તનવી ગોલ્ડ (તન્વી એક્સપોર્ટ લિમિટેડ)ના કર્મચારી લાલજીભાઈ સરધારા પાસેથી લગભગ 950 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી લૂંટાઈ ગયાં છે. આ મુદ્દામાલની અંદાજિત કિંમત 1 કરોડ 60 લાખ રૂપિયા જેટલી છે.

પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તન્વી એક્સપોર્ટ લિમિટેડ કંપની સોના-ચાંદીનું કામ કરે છે. શુક્રવારે સાંજે સાતથી આઠ વાગ્યાની વચ્ચે લાલજીભાઈ સોનું અને ચાંદી લઈને ટુ-વ્હીલર પર નીકળ્યા હતા. કંપનીથી દાગીના બનતા હોય તે જગ્યા માત્ર 50 મીટરના અંતરે છે. તેઓ બહાર નીકળ્યા એ જ વખતે કારમાં આવેલા ત્રણથી ચાર શખ્સોએ તેમને રોકીને દાગીનાનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.

લાલજીભાઈએ પ્રતિકાર કરતાં લૂંટારુઓએ તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. છાતીમાં ગોળી વાગતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લાલજીભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હત્યા અને લૂંટના ગુનામાં નાસી ગયેલા આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હુમલાખોરોની ઓળખ હજુ થઈ શકી નથી. કંપનીના એક કર્મચારીએ જણાવ્યું કે હુમલાખોરોની કાર નજરે પડી હતી.

દિનદહાડે બનેલી આ ઘટનાનો રાજકોટના જ્વેલર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે સોના-ચાંદીના વ્યવસાય સાથે હજારો લોકો સંકળાયેલા છે, પણ વેપારીઓની સલામતી રહી નથી. દરવાજાની બહાર નીકળતાં જ ગોળી મારીને આરોપી ભાગી જાય તેવી સ્થિતિ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કરે છે. આ મુદ્દે રાજકોટની સોના-ચાંદી બજાર અને 15 જેટલી ફેક્ટરીઓએ 15 ઓક્ટોબરે આખો દિવસ સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે. આરોપીઓ ઝડપાઈને મુદ્દામાલ રિકવર થાય ત્યાં સુધી બંધ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.