સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં સોના-ચાંદીની લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો, 9 શખ્સ ઝડપાયા

રાજકોટમાં સોના-ચાંદીની લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો, 9 શખ્સ ઝડપાયા

રાજકોટમાં થયેલી સોના-ચાંદીની લૂંટ અને હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ઉદયપુરથી લૂંટારૂ ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગે શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝ (તન્વી એક્સ્પોર્ટ ઇન્ડિયા લિમિટેડ) નામના રિફાઇનરી યુનિટ બહાર તેના કર્મચારી પર હુમલો કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, લૂંટની ટીપ તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના જ એક કર્મચારીએ આપી હતી. પોલીસે આ કેસમાં 4 મુખ્ય લૂંટારૂઓ ઉપરાંત મદદગારી કરનારા સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને સાંજ સુધીમાં આરોપીઓને રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે.

ઘટનાની વિગત મુજબ, તનવી ગોલ્ડના 53 વર્ષીય કર્મચારી લાલજી સરધારા (લાલાભાઈ) આજી વસાહત વિસ્તારમાંથી એક્ટિવા પર જઈ રહ્યા હતા. તેમની પાસે અંદાજિત 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના હતા. આ સમયે કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારૂઓએ તેમની પાસે રહેલો દાગીનાનો થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો. લાલજીએ પ્રતિકાર કરતાં લૂંટારૂઓએ ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી તેમના છાતીના ભાગે વાગી. ગંભીર રીતે ઘાયલ લાલજીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. લાલજી સરધારાનું મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

થોરાળા પોલીસ મથકમાં બિપિન વીરડીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, લૂંટારૂઓએ કુલ 1,53,20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ લૂંટ્યો હતો. જેમાં 1,48,90,000 રૂપિયા કિંમતનું 946 ગ્રામ સોનું અને 4,30,000 રૂપિયા કિંમતનું 2 કિલો રિફાઇન ચાંદીનો ડસ્ટ પાવડર સામેલ હતો.

આ ઘટનાના નવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ પરપ્રાંતિય શખ્સોની હતી, જેમણે ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે.