ગુજરાતમાંથી ચોમાસું વિદાય થતાં ભાદરવાનો તડકો કડક બન્યો છે. રાજ્યમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર જતાં બપોરના સમયે ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે 39.6°C સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. આ ઉપરાંત નવ શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર રહ્યો હતો.
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિકલાક રહેશે. હાલ રાજ્યમાં પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફૂંકાઈ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 38°C, જ્યારે ન્યૂનતમ તાપમાન 24°C આસપાસ રહેવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.6°C નોંધાયું હતું, જ્યારે ડીસા અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 38.8°Cથી 38.6°C વચ્ચે રહ્યું હતું.
દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યના) ચોમાસાની વિદાય રેખા મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા અને ઓડિશાના બાકીના વિસ્તારોમાંથી આગળ વધી રહી છે. આગામી 3-4 દિવસ દરમિયાન પૂર્વ ભારત અને ઉત્તર દ્વીપકલ્પના વધુ વિસ્તારોમાંથી ચોમાસું તબક્કાવાર વિદાય લે તે માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે.