રાજ્યમાં હાલમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 ઓક્ટોબરે રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, હાલમાં ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે, જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 1 થી 2 ડિગ્રી ઉપર છે.
આગામી 4 થી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ વિશેષ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને સવારનું ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં વાતાવરણ શુષ્ક રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે.
હાલમાં અનુભવાઈ રહેલી 'ડબલ સીઝન' અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનો ચોમાસાથી પોસ્ટ-મોન્સૂન તરફનો ટ્રાન્ઝિશન પિરિયડ હોય છે. ચોમાસાની પ્રવૃત્તિ પૂરી થયા બાદ ઉત્તર-પશ્ચિમથી આવતા શુષ્ક અને ગરમ પવનોને કારણે હાલમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ રહ્યું છે.