રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી સરાજા હોટેલના બીજા માળે આવેલા બેન્કવેટમાં મોડી રાત્રે રાજકોટ LCB ઝોન-2ની ટીમે દરોડો પાડ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ હોટેલમાં પોલીસ પહોંચતા જ દોડધામ થઈ ગઈ હતી. પોલીસ પહોંચી ત્યારે ત્યાં શહેરના મોટા બિલ્ડર ગ્રુપ ડેકોરા હાઈલેન્ડના અરવિંદભાઈ પટેલના પુત્ર ચિરાગભાઈની બર્થ ડે પાર્ટી ઉજવાઈ રહી હતી. મ્યુઝિક વાગતું હતું અને U આકારમાં ટેબલ-ખુરશી ગોઠવાયેલી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ખુરશીઓ પર સ્ત્રી-પુરુષો બેસીને દારૂની મહેફિલ માણતા હતા. જમવાના કાઉન્ટરો ગોઠવાયા હતા સાથે કોલ્ડ્રિંક્સ અને મોકટેલ પણ હતી. ત્યાં જ કેટલીક દારૂની પેક બોટલો, ક્યાંક અડધી પીવાયેલી અને ક્યાંક ખાલી બોટલો મળી આવી હતી.
પોલીસ પહોંચી અને ભાગદોડ મચી તેની જાણકારી મીડિયાને મળતાં રાજકોટમાં સક્રિય પ્રિન્ટ, ટીવી અને વેબના રિપોર્ટર્સ અને કેમેરામેન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વહેલી સવાર સુધી બેન્કવેટમાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેની મીડિયાને કોઈ જ પ્રકારની અધિકૃત જાણકારી આપવામાં આવી નહોતી કારણ કે રેસ્ટોરન્ટ-બેન્કવેટની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. જોકે આખરે સવારે પોલીસે જાણકારી આપવા માટે બહાર આવવું પડ્યું હતું. બીજી તરફ ટેબલ ક્લોથ અને ખુરશી પર લગાવેલા કવર મોઢા પર ઢાંકીને યુવતીઓને બહાર કાઢવામાં આવી હતી અને પોલીસની વાહનમાં બેસાડવામાં આવી હતી. કુલ 96-97 પુરુષ-સ્ત્રીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા હતા.
વહેલી સવારે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની જાણકારી મળી હતી. જેમાં એકપણ મહિલાએ દારૂ પીધેલો ન હોય તેવું માનીને તેમનું નામ FIRમાં લેવામાં આવ્યું નહોતું અને મહિલાઓને તેમના ઘરે જવા દેવામાં આવી હતી. જ્યારે 38 પુરુષો વિરુદ્ધ FIR નોંધાઈ હતી. જોકે FIRમાં કોઈપણ હોટેલ માલિકનું નામ નથી. સાથે જ હોટેલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી ચમચમાતી ગાડીઓમાં પુરુષોની સાથે આવેલી તેમની પત્ની અથવા અન્ય મહિલાઓએ અહીં પાર્ટી કરી છે તે સ્પષ્ટ થાય છે. FIR પ્રમાણે દારૂની જે બોટલો મળી છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.
આ હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટીમાં હાઈપ્રોફાઈલ ડ્રામાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે રસ્તો બતાવ્યો કે દારૂપાર્ટીના આરોપીએ જાતે શોધ્યો, પણ મીડિયા બહાર જોતાં ફરી ભાગદોડ મચી ગઈ હતી અને પાછળના દરવાજેથી કેટલાક લોકો કમ્પાઉન્ડ વોલ કૂદીને દોડતા જોવા મળ્યા હતા. આ તમામની વચ્ચે કારણ ગમે તે હોય, પોલીસ અને મીડિયાકર્મીઓ વચ્ચે જબરદસ્ત ગેરસમજ જોવા મળી હતી, જ્યાં પોલીસકર્મીઓએ મીડિયાકર્મીઓને પોલીસ સ્ટેશનમાંથી ધક્કા માર્યા હતા. બીજી તરફ રેસ્ટોરન્ટની રિપોર્ટિંગ કરવા ગયેલા મીડિયાકર્મી સાથે રેસ્ટોરન્ટના કેટલાક લોકોએ દાદાગીરી કરી હતી.