રાજકોટની હોટેલ સરાઝામાં 31 ઓક્ટોબરની મધરાતે યોજાયેલી દારૂ પાર્ટીમાં 76 લોકો સામેલ થયા હતા, જેમાં 30 જેટલા દંપતી હતા. પોલીસે 38 લોકો સામે દારૂના કેસ નોંધ્યા છે. આ પાર્ટીમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના સંબંધી મનીષ વલ્લભભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે દિવ્ય ભાસ્કરે પ્રકાશ વરમોરા સાથે વાત કરતાં તેમણે હસીને જવાબ આપ્યો કે, 'સવારથી મારા પર ફોન આવી રહ્યા છે અને દરેકને જવાબ આપવો એના કરતાં એક વિડિયો રેકોર્ડ કરીને મોકલાવું છે.' આટલું કહીને તેમણે ફોન કટ કરી દીધો અને ત્યારબાદ મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો.
દારૂ પાર્ટી સમયે હોટલ સરાઝાના પાર્કિંગમાં એન્ડેવર, વોલ્વો, મર્સિડિઝ, હેરિયર સહિતની પોશ કાર્સ પડેલી હતી. તેમાં એક ગાડી વિયેતનામની ઇલેક્ટ્રિક કંપની વિન ફાસ્ટની VF7 મોડલની કાર હતી. દિવ્ય ભાસ્કરે આ કારના નંબરના આધારે માલિકના નામ અને મેમોની વિગતો મેળવી હતી. જેમાં આરોપી નિખિલ પટેલની વોલ્વોને ઓવરસ્પીડિંગના ચાર મેમો પણ જોવા મળે છે.
આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે નાના આરોપીના ફોટા અને વિડિયો બનાવી મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવે છે, પરંતુ આ પાર્ટીમાં ઉદ્યોગપતિઓ અને માલેતુજારો હોવાને કારણે તેમના એક પણ ફોટો કે વિડિયો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. માત્ર એટલું જ નહીં, મીડિયાએ કડક સવાલો કરતા તેની સાથે ધક્કામૂક્કી પણ થઈ હતી.
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને જામીન લેવા આવેલા આરોપીઓના હાઇવોલ્ટેજ ડ્રામાની ત્રણ તસવીર સામે આવી છે. એક આરોપીએ દારૂ મામલે મૌન સેવીને ફોન બંધ હોવા છતાં કાન રાખીને કાર સુધી ચાલતો ગયો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના PI મેઘાણીએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. દારૂ સર્વ કરનાર હોટલનો કર્મી આખું ઢાંકીને આવ્યો હતો. તેણે જણાવ્યું કે, 'હું દારૂ પીરસતો હતો, બીજો આમાં કાંઈ મારો રોલ ન હતો.'
આરોપીઓ જ્યારે જામીન માટે આવ્યા ત્યારે તેમને પોલીસ સ્ટેશનથી એક પછી એક બહાર મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન તમામ આરોપીએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું.
એક મર્સિડિઝ (GJ05 CP 6948) જે વિશાલ નામના વ્યક્તિના નામે છે, તેના તમામ ડોક્યુમેન્ટ્સ એક્સપાયર્ડ થઈ ચૂક્યા છે. જ્યારે નો પાર્કિંગના બે અને એક ઓવરસ્પીડનો મેમો અગાઉ મળી ચૂક્યો છે. નિખિલ પટેલના નામે રહેલી GJ03 LG 5222 વોલ્વોના નામે ઓવરસ્પીડના ચાર મેમો છે. તો GJ03LG0090 નંબરની એન્ડેવરની PUC એક્સપાયર્ડ થઈ ચૂકી છે.
આ પાર્ટી ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો આગામી 12 નવેમ્બરે બર્થ-ડે હોવાથી એડવાન્સમાં આપવામાં આવી હતી. પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ ઉપસ્થિત હતી. કુલ 76 લોકોમાંથી 30 જેટલા કપલ હતા. તમામ મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા સમયે મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર મોઢા પર બાંધી દીધા હતા. હોટેલ પર મોંઘી કારોની લાઈન જોવા મળી હતી. આ પાર્ટીને લઈ પોલીસે 92 થી વધુ વ્યક્તિના બ્લડ સેમ્પલ કલેક્ટ કરાવ્યા છે.