રાજકોટ શહેરમાં ત્રણ દિવસની બફારા અને ઉકળાટ બાદ સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો. સાંજે 7.15 વાગ્યાના સુમારે આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. શહેરના સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ, ત્રણેય ઝોનમાં ભારે વરસાદ પડ્યો.
માત્ર 10 મિનિટમાં જ પડેલા આ વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયું અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી અને વાહનવ્યવહાર ધીમો પડી ગયો.
શહેરમાં 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ અને મવડી વિસ્તારમાં સારો વરસાદ પડ્યો. ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ અને સામે કાંઠા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો. ટૂંકા ગાળામાં પડેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા હતા.
શહેરની સાથે રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં આનંદ છે. લાંબા વિરામ બાદ આવેલા આ વરસાદથી મગફળી અને કપાસ સહિતના ચોમાસુ પાકને નવો જીવ મળ્યો છે અને ઉત્પાદન સારું રહેવાની આશા જાગી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય થઈ ગયું છે અને આગામી 2 થી 4 દિવસમાં ગુજરાતમાંથી પણ વિદાયની પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી પણ આ સમયગાળામાં ચોમાસું વિદાય લઈ શકે છે. જોકે, અરબી સમુદ્રમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન, બે વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય હોવાથી આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. રાજ્યમાં તાજેતરમાં દમણમાં 64 મિમી, ખેડામાં 61 મિમી અને અમરેલીમાં 30 મિમી વરસાદ નોંધાયો છે.
આ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સરેરાશ કરતાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્ર પંથકમાં સીઝનનો 22 ટકા ઓછો વરસાદ રહ્યો છે. તેમ છતાં સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં 35 ટકા વધુ વરસાદ થવાથી ખેડૂતો અને જળાશયોને રાહત મળી છે.