સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટની 5 સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 4,335 મોત, 77% મોત ચાર રોગોને કારણે

રાજકોટની 5 સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 4,335 મોત, 77% મોત ચાર રોગોને કારણે

રાજકોટ: રાજકોટ જિલ્લાની પાંચ મુખ્ય સરકારી હોસ્પિટલમાં એપ્રિલ 2025 થી માર્ચ 2026 દરમિયાન કુલ 4,335 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. આ આંકડા રાજકોટ સિવિલ, પદ્મકુંવરબા, ગોંડલ, ઉપલેટા અને ધોરાજીની સરકારી હોસ્પિટલના છે.

સૌથી ચિંતાની વાત એ છે કે આમાંથી 3,341 મૃત્યુ એટલે કે લગભગ 77 ટકા મૃત્યુ માત્ર ચાર કારણોથી થયા છે: શ્વસનતંત્રના રોગો, બાળકોના રોગો, અકસ્માત-ઈજા-હિંસા અને બ્લડપ્રેશર સંબંધિત રોગો. સરળ શબ્દોમાં કહીએ તો, સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા દર 10 મૃત્યુમાંથી લગભગ 7 મૃત્યુ આ ચાર કારણોથી થયા છે.

શ્વસનતંત્રના રોગો મૃત્યુનું સૌથી મોટું કારણ બન્યા છે. શ્વાસ લેવામાં તકલીફ, ફેફસાં અને શ્વસનતંત્ર સાથે જોડાયેલી બીમારીઓને કારણે 1,116 દર્દીઓના મૃત્યુ થયા, જે કુલ મૃત્યુના 25.74 ટકા છે. આ કેટેગરીમાં 1,26,039 દર્દીઓ ઓપીડીમાં અને 16,898 દર્દીઓ દાખલ થયા હતા.

બીજું મોટું કારણ બાળકોના રોગો છે. બાળરોગને કારણે 1,001 બાળકોના મૃત્યુ થયા, જે કુલ મૃત્યુના 23.09 ટકા છે. બાળદર્દીઓમાં સમયસર નિદાન અને ગંભીર સ્થિતિમાં ઝડપી સારવાર કેટલી જરૂરી છે તે આ આંકડા દર્શાવે છે. આ કેટેગરીમાં 87,834 બાળદર્દીઓ ઓપીડીમાં અને 25,243 દાખલ થયા હતા.

ત્રીજું કારણ અકસ્માત, ઈજા અને હિંસાના કેસો છે. આ ટ્રોમા કેસોમાં 779 લોકોએ જીવ ગુમાવ્યો, જે કુલ મૃત્યુના 17.97 ટકા છે. ચોથા ક્રમે બ્લડપ્રેશર સંબંધિત રોગોથી 645 મૃત્યુ થયા, જે 14.88 ટકા છે.

આ ઉપરાંત અન્ય રોગોમાં પણ મૃત્યુ નોંધાયા છે. પાંચનક્રિયાને લગતી બીમારીઓમાં 184, જનન અને મૂત્રતંત્રના રોગોમાં 93, ચેપી અને જીવાણુજન્ય રોગોમાં 33, જુદા-જુદા કેન્સરમાં 59, લોહી કે ઉત્પાદક અંગોને લગતા રોગોમાં 24, મનોવિકૃતિઓમાં 45 અને ચેતાતંત્રને લગતા રોગોમાં 67 મૃત્યુ થયા. જન્મજાત ખોડખાંપણમાં 29, ગર્ભાવસ્થા કે પ્રસૂતિ સંબંધિતમાં 36, ત્વચા રોગોમાં 26, સ્નાયુ-અસ્થિ રોગોમાં 1 અને પ્રસૂતિ સંબંધિત બીમારીઓમાં 15 મૃત્યુ નોંધાયા. અવર્ગીકૃત લક્ષણો-બીમારીઓમાં 0 અને અન્ય રોગોમાં 73 મૃત્યુ નોંધાયા.

એકંદરે 2025-26 દરમિયાન સરકારી હોસ્પિટલોમાં 13,35,175 દર્દીઓ ઓપીડીમાં અને 3,51,546 દર્દીઓ દાખલ થયા હતા. જ્યારે હૃદયરોગ, પાચનતંત્રના રોગો, કેન્સર, ચેતાતંત્ર અને અન્ય રોગોમાં પણ મૃત્યુ નોંધાયાં છે. ખાસ કરીને કેન્સરના કેસમાં દાખલ દર્દીઓની સંખ્યા ઓછી હોવા છતાં મૃત્યુ નોંધપાત્ર છે.