રાજકોટ: રવિવાર, 20 સપ્ટેમ્બરે બપોર પછી રાજકોટ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સાંજે 7 વાગ્યાથી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સતત અડધો કલાક સુધી એકધારો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં નોંધાયો હતો.
રાત્રિના 9 વાગ્યા સુધીના આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં 24 મિમી, ઇસ્ટ ઝોનમાં 13 મિમી અને વેસ્ટ ઝોનમાં 13 મિમી વરસાદ પડ્યો હતો. આ સાથે ચાલુ સીઝનનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 510 મિમી, ઇસ્ટ ઝોનમાં 419 મિમી અને વેસ્ટ ઝોનમાં 540 મિમી થયો છે. શહેરમાં સીઝનનો કુલ વરસાદ 19 ઇંચથી વધુ નોંધાયો છે.
આ તરફ જિલ્લામાં પણ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થતાં ગોંડલના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. ચરખડી ચોકડી પાસેના મેદાનમાં ભેંસ પર વીજળી પડતાં તેનું મોત નીપજ્યું હતું. આ ભેંસ ગોમટા ગામના રહેવાસી વિપુલભાઈ લાંબરિયાની હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઉત્તર દિશામાં અત્યારે એક લો પ્રેશર સક્રિય છે. તે 21 તારીખે આગળ વધશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. 22 તારીખે તે ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે.