રાજકોટના ગોંડલ ચોકડી ખાતે નિર્મિત ઓવરબ્રિજ લોકાર્પણના માત્ર બે વર્ષમાં જર્જરિત થઈ ગયો છે. બ્રિજના સાંધામાં મોટી તિરાડો પડી છે અને એક ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં ભારે રોષ છે.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજમાં હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. સામાન્ય રીતે ઓવરબ્રિજ દાયકાઓ સુધી ટકી રહે તે માટે બનાવવામાં આવે છે, પરંતુ આ બ્રિજ માત્ર 24 મહિનામાં જ નબળો પડી ગયો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે બ્રિજના નિર્માણમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું છે, જેના કારણે આટલા ટૂંકા સમયમાં ગાબડાં અને તિરાડો પડ્યાં છે. બ્રિજના નિર્માણ સમયે જ તેની મજબૂતાઈ અંગે સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના અધિકારીઓએ તેને ધ્યાનમાં લીધા વિના બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું હતું.
ગોંડલ ચોકડી સૌરાષ્ટ્રનું સૌથી વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ છે. અમદાવાદ તરફથી આવતો ભારે ટ્રાફિક અને રાજકોટથી જૂનાગઢ, જેતપુર તથા સોમનાથ તરફ જતાં હજારો વાહનો દરરોજ આ ઓવરબ્રિજ પરથી પસાર થાય છે. બ્રિજની આ હાલત મુસાફરોની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરે છે.
હાલ NHAI દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ લોકો માત્ર થીંગડાં મારવાની કામગીરીથી સંતુષ્ટ નથી. નાગરિકોની માગ છે કે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર NHAIના અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.