રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર 14 ઓક્ટોબરના રોજ લાલજીભાઈ સરધારા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી 1 કિલો સોનું અને 3 કિલો ચાંદી લૂંટીને હત્યા કરવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસની તપાસથી બચવા માટે સોના-ચાંદીના ઢાળિયા પોતાના શૂઝ અને કારના સીટ-કવરમાં ચાલાકીપૂર્વક છુપાવી દીધા હતા.
જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડમાં પોલીસે AI ટેક્નોલોજી, CCTV નેટવર્ક અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ શહેર પોલીસની 10થી 15 ટીમોએ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો. આ સફળતા બદલ ગૃહમંત્રીએ રાજકોટ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લૂંટ કોઈ અચાનક બનેલો બનાવ નહોતો, પરંતુ યોજનાબદ્ધ ષડયંત્ર હતું. તન્વી ગોલ્ડ રિફાઇનરીમાં અગાઉ 5-6 મહિના નોકરી કરી ચૂકેલો અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ સિંહ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હતો. રિફાઇનરીમાં હાલ ફરજ બજાવતા શૈલેષકુમાર ખેરવા ઉર્ફે શૈલેન્દ્ર સિંહે અંદરની તમામ વિગતો પૂરી પાડી હતી. મેનેજર ક્યારે સોના-ચાંદીનો રિફાઇન કરેલો માલ લઈને નીકળશે તેની પળેપળની બાતમી શૈલેષે લંકેશને આપી હતી. લંકેશે તેના સાગરિતોને સ્પષ્ટ સૂચના આપી હતી કે લૂંટ દરમિયાન રસ્તામાં જે પણ વચ્ચે આવે તેને સીધી ગોળી મારી દેવી.
14 ઓક્ટોબરે રિફાઇનરીમાંથી સોનાના ઢાળિયા અને ચાંદીનો ડસ્ટ પાવડર ભરીને મેનેજર એક્ટિવા પર શો-રૂમ જવા નીકળ્યા ત્યારે મરૂન રંગની ટાટા ટિગોર કારમાં આવેલા શખ્સોએ થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઈ સરધારા અને સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કરતાં આરોપી અનુરાગ સિંહ રાજપૂતે લાલજીભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગંભીર ઈજા પામતાં તેમનું મોત થયું હતું. આરોપીઓ 120ની સ્પીડે કાર ભગાડીને ફરાર થયા હતા.
પોલીસે નાકાબંધી અને વાહનોના રૂટ ટ્રેસ કરીને રાજસ્થાન પોલીસની મદદ મેળવી હતી. રાજસ્થાનના પિંડવાડા અને ઉદયપુરમાંથી 6 આરોપી, મોરબીમાંથી 3 અને રાજકોટમાંથી 1 મળી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના ચંદૌલી, ગાજીપુર અને મઉ જિલ્લાના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અશ્વિની ઉર્ફે લંકેશ અને અજીતકુમાર પાંડે સામે અગાઉ યુપીમાં હત્યાની કોશિશ, અનુરાગ સિંહ સામે મનુષ્યવધ તથા શૈલેષ ખેરવા સામે હરિયાણામાં ગુનાહિત કેસો નોંધાયેલા છે.
તહેવારોની મોસમમાં વેપારીઓ અને નાગરિકોની સુરક્ષા વધારવા માટે પોલીસ વિભાગે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. શહેરને અલગ-અલગ બીટમાં વહેંચીને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં ડિજિટલ 'ઈ-બીટ સિસ્ટમ' અમલી બનાવવામાં આવશે, જેથી પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગની તમામ કામગીરીનું ઓનલાઈન ટ્રેકિંગ સુનિશ્ચિત થઈ શકશે.