સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં દિવસ-દહાડે લૂંટ અને હત્યા: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટ્યું

રાજકોટમાં દિવસ-દહાડે લૂંટ અને હત્યા: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટ્યું

રાજકોટ શહેરના આજીડેમ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ નામની જ્વેલરી રિફાઇનરી પેઢીમાં ધોળા દિવસે લૂંટ અને હત્યાની ઘટના બની છે. પેઢીના કર્મચારી લાલજીભાઈ લવજીભાઈ સરધારા અંદાજે 1 કિલો સોનું અને 3 કિલો ચાંદી લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો.

લૂંટારુઓએ દાગીનાભર્યો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લાલજીભાઈએ પ્રતિકાર કરતાં તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું. છાતીમાં ગોળી વાગતાં તેમને મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. લૂંટારુઓ આશરે 1 કરોડ 60 લાખ રૂપિયાની કિંમતનું સોનું-ચાંદી લઈને ફરાર થઈ ગયા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી હેતલ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી ફાયરિંગમાં વપરાયેલી બંદૂકની એક કારતૂસ મળી આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા લઈને શહેરની બહાર જતા રસ્તાઓ પર નાકાબંધી કરી છે અને જિલ્લા પોલીસને પણ જાણ કરી છે.

બનાવ બનતાં આસપાસના વેપારીઓ અને ફેક્ટરી માલિકો મોટી સંખ્યામાં તન્વી ગોલ્ડ ખાતે પહોંચી ગયા હતા. રાજકોટનું સોની-ચાંદી બજાર રાજ્યમાં સૌથી મોટું માનવામાં આવે છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી વેપારીઓમાં અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે.

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશને મૃતક લાલજીભાઈને શ્રદ્ધાંજલિ આપવા અને ઘટનાના વિરોધમાં આવતીકાલે સવારે 9 થી 12 વાગ્યા સુધી સોની બજાર, પેલેસ રોડ અને સોના-ચાંદીની તમામ બજારો બંધ રાખવાનું એલાન આપ્યું છે. વેપારી આગેવાનોએ ગૃહ મંત્રીને સુરક્ષા વધારવા અપીલ કરી છે અને માંગ કરી છે કે પોલીસ કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને.