સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ લૂંટ-હત્યા કેસ: પંચનામા દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરતાં પગમાં ગોળી વાગી

રાજકોટ લૂંટ-હત્યા કેસ: પંચનામા દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરતાં પગમાં ગોળી વાગી

રાજકોટ શહેરના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ ફેક્ટરીમાં લૂંટ અને કર્મચારી લાલજીભાઈ સરધારાની હત્યાના કેસમાં એક મોટી ઘટના બની છે. આ કેસના આરોપી અનુરાગને પોલીસ પંચનામા માટે હીરાસર એરપોર્ટ નજીક લઈ ગઈ હતી. તે સમયે આરોપીએ ત્યાં અગાઉથી સંતાડેલું બીજું હથિયાર કાઢીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જવાબમાં ક્રાઈમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડીયાએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસના જવાબી ફાયરિંગમાં આરોપી અનુરાગને પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઘટનાની જાણ થતાં DCP ક્રાઈમ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોપીની સારવાર અને આગળની કાર્યવાહી અંગે પોલીસ તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે.

રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ ફેક્ટરીમાં લૂંટ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ કેસમાં કર્મચારી લાલજીભાઈ સરધારાની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર લાલજીભાઈ પર ફાયરિંગ કરનારો આરોપી અનુરાગ હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે.

હવે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હોવાથી તપાસના મહત્ત્વના મુદ્દા ઉભા થયા છે — આ હથિયાર તેને ક્યાંથી મળ્યું અને તેને સ્થળ પર કેવી રીતે સંતાડવામાં આવ્યું. આ બાબતોની તપાસ બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે તેમ પોલીસે જણાવ્યું છે.