સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના 61 વર્ષીય ગિરધર કાકા ગરબાના સ્ટેપમાં માહિર, સોશિયલ મીડિયામાં 35,000 ફોલોઅર્સ

રાજકોટના 61 વર્ષીય ગિરધર કાકા ગરબાના સ્ટેપમાં માહિર, સોશિયલ મીડિયામાં 35,000 ફોલોઅર્સ

નવરાત્રીના ગણતરીના દિવસો બાકી હોવાના કારણે રાજકોટમાં ગરબાનો ઉત્સાહ વધી ગયો છે. આ વખતે રાજકોટના 61 વર્ષીય ગિરધર ભાલોડીયા, જેઓ 'ગિરધર કાકા' તરીકે ઓળખાય છે, તેમણે ગરબા રમીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. છેલ્લા 35 વર્ષથી ગરબે ઘૂમતા ગિરધર કાકાએ છેલ્લા 3-4 મહિનામાં સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને 35,000થી વધુ ફોલોઅર્સ મેળવ્યા છે.

ગિરધર કાકાએ જણાવ્યું કે, તેમની ઉંમર 61 વર્ષ છે અને તેઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. તેમણે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. મૂળ જામનગરના ધ્રોલ તાલુકાના વતની ગિરધર કાકા છેલ્લા 40 વર્ષથી રાજકોટમાં રહે છે. તેમને બે દીકરીઓ છે, જેમાં એકના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે બીજી દીકરી તેમની સાથે રહે છે.

ગિરધર કાકાના ગરબાના અવનવા સ્ટેપ લોકોને ખૂબ ગમે છે. તેમણે કહ્યું, 'સ્ટેપ બેસાડી, તાલ મિલાવીને ગરબા રમવો એ મારો એક જ શોખ છે. માતાજીનો કોઈ પણ ગરબો હોય કે બીજું કોઈ ગીત, હું તેમાં સ્ટેપ બેસાડીને ગરબા રમું છું.' તેઓ દર વર્ષે સહિયર ક્લબમાં દેવ ગ્રુપ સાથે દાંડિયા રાસ રમવા જાય છે. આ વર્ષે તેઓ રેસકોર્સ મેદાન સ્થિત સહિયર ક્લબ ઉપરાંત કાલાવડ રોડ પર MGM રાસતોત્સવમાં પણ રાસ રમતા જોવા મળશે.

ગિરધર કાકાએ કોઈ ગરબા ક્લાસમાં જઈને ગરબા શીખ્યા નથી. છતાં આજે તેઓ રાજકોટની અલગ-અલગ સોસાયટીઓમાં જઈને સ્પેશિયલ બેન્ચમાં બહેનોને ગરબા શીખવે છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયોને લોકો ખૂબ પસંદ કરતા હોવાથી તેમના મિત્રએ પોતાનું એકાઉન્ટ બનાવવાની સલાહ આપી. તેના પગલે તેમણે છેલ્લા 3 મહિનાથી વિવિધ પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવીને વીડિયો અપલોડ કર્યા અને 35,000 ફોલોઅર્સ મેળવ્યા.

ગિરધર કાકા દરરોજ નિયમિતપણે યોગ કરે છે. ગરબા રમવાથી પણ કસરત થાય છે એમ માનીને તેઓ દરરોજ ગરબાની પ્રેક્ટિસ કરે છે અને બીજા લોકોને પણ ગરબા શીખવે છે.