રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જાહેરમાં કચરો ફેંકનારા અથવા થૂંકનારા લોકોના ફોટા જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ માટે ન્યૂસન્સ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેના આધારે ગંદકી કરનારાઓની ઓળખ કરવામાં આવશે. મનપા કચેરીમાંથી ફોટા મેળવીને શહેરના જાહેર સ્થળો, સ્ક્રીન અને મનપાના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે.
છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા 2026’ અને 100 દિવસીય સ્વચ્છતા અભિયાન હેઠળ સઘન સફાઈ, જનજાગૃતિ અને રાત્રિ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર રાત્રી દરમિયાન સ્વચ્છતાની સમીક્ષા કરવા નીકળે છે. સ્માર્ટ સિટીને વધુ સ્વચ્છ બનાવવા માટે રાજકોટવાસીઓ પણ જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, પાન-મસાલા ખાનારા લોકો જાહેર રસ્તાઓ, મોલ અને હોસ્પિટલ પર પિચકારી મારતા હોવાની ફરિયાદો સામે આવી છે. હવે આવા લોકો સામે મનપા મોટો દંડ ફટકારવાની તૈયારીમાં છે. જો તમને પણ પાન-મસાલા ખાવાની ટેવ છે, તો સાવધાન થઈ જાઓ, કારણ કે જ્યાં ત્યાં પિચકારી મારવી હવે મોંઘી પડશે. ટૂંકમાં, પાન-મસાલા કરતાં દંડના પૈસા વધુ ચૂકવવા પડશે.