સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યો પાણીમાં ડૂબ્યા

રાજકોટમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યો પાણીમાં ડૂબ્યા

રાજકોટમાં ગણેશોત્સવ દરમિયાન એક કરુણ ઘટના બની છે. કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. આ ઘટના શનિવારે સાંજે અજય વે બ્રિજની સામે ખોડિયાર માતાના મંદિર પાસે આવેલા જળાશયમાં બની હતી, જ્યાં પાણી 20થી 22 ફૂટ ઊંડું હતું.

મૃતકોની ઓળખ ચૌહાણ પરિવારના સભ્યો તરીકે થઈ છે. તેમાં ધીરુભાઈ ભલાભાઈ ચૌહાણ, તેમના પુત્ર નયનભાઈ ધીરુભાઈ ચૌહાણ અને ધીરુભાઈના ભત્રીજા નરેન્દ્રભાઈ મગનભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. ત્રણેય રાણપુર રોડ પરની શિવધારા રેસિડેન્સી, શેરી નંબર 6માં રહેતા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, વિસર્જનની વિધિ કરતી વખતે પગ લપસી જવાથી અથવા પાણીના ઊંડાણમાં ખેંચાઈ જવાથી ત્રણેય ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. સાંજે 6:12 વાગ્યે મુખ્ય કંટ્રોલ રૂમને રેસ્ક્યૂ કોલ મળતાં જ ERC ફાયર સ્ટેશનની ટીમ બચાવ વાહન અને સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર ઓફિસર શાહબાઝ ખાન અને રહીમભાઈ જોબને જણાવ્યું કે ફાયર ઓફિસર મનોજ ડાભી, ચેતન છોટિયા, પરેશ રાઠોડ, ધનરાજ મેતાલિયા, ડ્રાઇવર મહીપાલસિંહ રાણા તથા સિનિયર ફાયરમેન દિલીપભાઈ ગાંગડીયા અને સાહિલ બાઝખાનની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણેયના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતાં મૃતકોના સગા દિલીપભાઈ સોમાભાઈ ચૌહાણ, ગામના સરપંચ લાભુભાઈ તેમજ એરપોર્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈ પંચનામું કરીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે ગણપતિ વિસર્જન સમયે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. લોકોએ પોતાની જાતે અજાણ્યા ઊંડા પાણી કે ખાડામાં વિસર્જન કરવા જવું નહીં. મહાનગરપાલિકાએ શહેરમાં અલગ-અલગ સ્થળોએ વિસર્જન માટે વ્યવસ્થા અને મશીનરી ઊભી કરી છે, અને નિર્ધારિત સ્થળોએ ફાયર વિભાગના જવાનો તૈનાત છે. તેથી નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ જ વિસર્જન કરવું જોઈએ.