રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ પર આજે સાંજે ગણપતિ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. અજય વે બ્રિજ સામે, ખોડિયાર માતાના મંદિર પાસે આવેલા જળાશયમાં ગણેશજીની પ્રતિમા પધરાવવા ગયેલા પિતા-પુત્ર સહિત ત્રણ લોકો અંદાજે 20થી 22 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ કંટ્રોલ રૂમને રેસ્ક્યુ કોલ મળતાં જ ERC ઈમરજન્સી સ્ટેશનથી રેસ્ક્યુ વાહન અને ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત જ પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને 10થી 12 મિનિટની ભારે જહેમત બાદ ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, તેમને બહાર કાઢતા સુધીમાં ત્રણેયના મોત થઈ ચૂક્યા હતા.
મૃતકોની ઓળખ ધીરુભાઈ ભલાભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ મગનભાઈ ચૌહાણ અને નયનભાઈ ધીરુભાઈ ચૌહાણ તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, ત્રણેય એક જ ચૌહાણ પરિવારના હોવાનું સામે આવ્યું છે. ધીરુભાઈ અને નયનભાઈ બાપ-દીકરો હતા, જ્યારે નરેન્દ્ર ધીરુભાઈનો ભત્રીજો હતો. વિસર્જનની ધાર્મિક વિધિ વેળાએ અચાનક પગ લપસી જતાં કે પાણીના ઊંડાણમાં ખેંચાઈ જતાં આ ત્રણેય ડૂબી ગયા હતા.
આ તમામ મૃતકો રાણપુર રોડ પર આવેલી શિવધારા રેસિડેન્સી, શેરી નં-6ના રહેવાસી હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના અણધાર્યા અવસાનથી પરિવારજનોમાં કલ્પાંત ફેલાઈ ગયો છે. બનાવની જાણ થતાં જ મૃતકોના સગા દિલીપભાઈ સોમાભાઈ ચૌહાણ, ગામના સરપંચ લાભુભાઈ તેમજ એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.