રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શહેર ભાજપ દ્વારા આયોજિત સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં પાણીપુરી અને ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
બહેનો માટે યોજાયેલી પાણીપુરી સ્પર્ધામાં નેહાબેને માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
લાડુ સ્પર્ધામાં બહેનોના વિભાગમાં 44 વર્ષીય સાવિત્રીબેન યાદવ અને તેમની 23 વર્ષીય પુત્રી કોમલબેને 11-11 લાડુ ખાઈને સંયુક્ત રીતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. છેલ્લા 6 વર્ષથી વિજેતા બનતા સાવિત્રીબેને જણાવ્યું કે, તેમનો 17 લાડુ ખાવાનો રેકોર્ડ છે. તેમણે કહ્યું કે, ગણપતિ બાપાની કૃપાથી જ આટલા લાડુ ખાઈ શકાય છે. શુદ્ધ ઘીના લાડુ, દાળ અને પાણીની ઉત્તમ વ્યવસ્થાને કારણે શરીરમાં કોઈ તકલીફ થતી નથી.
ભાઈઓના વિભાગમાં સરપદળ ગામના 70 વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયાએ 17 લાડુ ખાઈને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તેમનું વજન 50 કિલો છે.
ભાજપ પ્રમુખ ડો. માધવ દવેના જણાવ્યા મુજબ, ભાજપ દ્વારા વર્ષ 2008થી અહીં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. લાડુ સ્પર્ધામાં પ્રથમ 5 મિનિટમાં ભાઈઓએ ફરજિયાત 5 લાડુ અને બહેનોએ ફરજિયાત 3 લાડુ ખાવા પડે છે. ત્યારબાદ 20 મિનિટના બીજા રાઉન્ડમાં અમર્યાદિત લાડુ ખાઈ શકાય છે.