રાજકોટમાં બેવડી હત્યાના કેસમાં 12 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે. આરોપી પ્રવીણે પોતાની ઓળખ છુપાવવા માટે ઉત્તર પ્રદેશમાં ચાની લારી ચલાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ પોલીસે વેશપલટો કરીને તેને પકડી લીધો.
ઘટনা 2012ની છે, જ્યારે રાજકોટના હુડકો ક્વાર્ટર પાસે નાડોદાનગર શેરી નંબર-4માં આવેલા એક મકાનમાં બેવડી હત્યા થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રવીણે તેના ભાઈ દીપક સાથે મળીને પત્ની મુન્ની અને તેની કાકીની હત્યા કરી હતી. મકાન માલિક દૂધીબેનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતું કે પ્રવીણ અને મુન્નીને બે દીકરા હતા, જેની ઉંમર તે સમયે લગભગ 10 વર્ષ હતી. 12 વર્ષ પછી પોલીસે અંદાજ લગાવ્યો કે તેમના દીકરાઓની ઉંમર હવે 22 વર્ષ થઈ ગઈ હશે. આ સૂચનાના આધારે પોલીસે તપાસ આગળ વધારી.
તપાસ દરમિયાન પોલીસને રાજકોટના એક સામાન્ય રિક્ષાચાલક પાસેથી પ્રવીણના દીકરાનો મોબાઈલ નંબર મળી ગયો. પોલીસે આ નંબરનું ટેકનિકલ એનાલિસિસ કરતાં કેટલાક નંબર મળ્યા, જેમાંથી એક પ્રવીણનો હોવાનું જાણવા મળ્યું.
પોલીસને જાણવા મળ્યું કે પ્રવીણના નંબર પર PAYTM એપનો ઉપયોગ થતો હતો. આ એપ સાથે લિંક્ડ બેંક ખાતામાં દરરોજ નાની રકમ જમા થતી હતી. PAYTM મારફતે દરરોજ 316 રૂપિયા કપાત થતા હતા, જેના પરથી પોલીસે અનુમાન લગાવ્યું કે પ્રવીણે કોઈ લોન લીધી હશે.
વધુ તપાસમાં સામે આવ્યું કે પ્રવીણે રાજકોટથી 1150 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં શ્રી રામ ફાઈનાન્સ પેઢીમાંથી લોન લીધી હતી. પોલીસે ફાઈનાન્સ પેઢીની મદદથી પ્રવીણનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને હાલનો ફોટો મેળવી લીધો, જેથી તેનું લોકેશન અને દેખાવની માહિતી મળી ગઈ.
પોલીસને જાણવા મળ્યું કે પ્રવીણ પોતાના પુત્ર સાથે ચાની લારી ચલાવે છે. આ ધંધામાં થતા નાના ટ્રાન્ઝેક્શન PAYTM મારફતે તેના બેંક ખાતામાં જમા થતા હતા.
પ્રવીણ 12 વર્ષથી ફરાર હતો, તેથી પોલીસ તેને પકડવા માટે કોઈ ભૂલ કરવા માંગતી ન હતી. એડ્રેસ મળ્યા પછી પણ ચાની લારી પર હાજર વ્યક્તિ પ્રવીણ જ છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી હતી. આ માટે પોલીસે વેશપલટાનો પ્લાન બનાવ્યો.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન ASI જલદીપસિંહ વાઘેલાએ ઈ-રિક્ષા ભાડે લીધી અને રિક્ષાચાલક બન્યા. કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલ ફ્રૂટ વિક્રેતા બની ચાની કીટલીની આસપાસ ફળ વેચતા હતા. હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી અને કોન્સ્ટેબલ હરસુખભાઈ સબાડ ગરમ કપડાંની લારી લઈને વિસ્તારમાં ફરતા હતા. આ ચારેય પોલીસકર્મીઓએ સ્થાનિકો જેવો પહેરવેશ ધારણ કરીને પ્રવીણ પર વોચ ગોઠવી.
પોલીસે પ્રવીણની દિનચર્યા, તે ક્યારે આવે-જાય છે, કોને મળે છે અને તેનું વર્તન કેવું છે તેની ઝીણી વિગતો એકઠી કરી. પોલીસને શંકા હતી કે જો પ્રવીણને ખબર પડશે કે પોલીસે વોચ ગોઠવી છે, તો તે ભાગી જશે.
દોઢ દિવસની વોચ બાદ પોલીસે ખાતરી કરી લીધી કે ચાની લારી પર આવતો શખ્સ પ્રવીણ જ છે. આખરે પોલીસે ત્રાટકીને પ્રવીણને ઝડપી લીધો.