સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ: 12 વર્ષથી ફરાર આરોપીને ચાની કીટલી પરથી પકડવા પોલીસે રિક્ષાચાલક, ફળવાળો અને કપડાવાળાનો વેશ ધારણ કર્યો

રાજકોટ: 12 વર્ષથી ફરાર આરોપીને ચાની કીટલી પરથી પકડવા પોલીસે રિક્ષાચાલક, ફળવાળો અને કપડાવાળાનો વેશ ધારણ કર્યો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો છે. આરોપી પોતાના પુત્ર સાથે મળીને ત્યાં ચાની લારી ચલાવતો હતો. તેને પકડવા માટે પોલીસે વેશપલટો કર્યો હતો. પોલીસકર્મીઓએ રિક્ષાચાલક, ફળવિક્રેતા અને ગરમ કપડાં વેચનાર તરીકેનો વેશ ધારણ કરીને ચાની કીટલી પર વોચ ગોઠવી હતી.

રાજકોટના હુડકો ક્વાર્ટર પાસેના નાડોદાનગર શેરી નંબર-4માં આવેલા એક મકાનમાં વર્ષ 2012માં બેવડી હત્યાની ઘટના બની હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે પ્રવીણે પોતાના ભાઇ દીપક સાથે મળીને પત્ની મુન્ની અને સગાની હત્યા કરી હતી. ઘટના સમયે મકાન માલિક દૂધીબેને ફરિયાદ નોંધાવી હતી, જેમાં પ્રવીણ અને મુન્નીને બે દીકરા હોવાનું જણાવ્યું હતું. તે સમયે તેમની ઉંમર અંદાજે 10 વર્ષ હતી.

પોલીસે દીકરાઓની ઉંમર ધ્યાનમાં લઈને તપાસ આગળ વધારી. રાજકોટના એક સામાન્ય રિક્ષાચાલક પાસેથી પ્રવીણના દીકરાનો મોબાઇલ નંબર મળી ગયો. આ નંબરનું ટેકનિકલ એનાલિસિસ કરતાં પ્રવીણના મોબાઇલ નંબર સુધી પોલીસ પહોંચી ગઈ. આ નંબર પર PAYTM એપ્લિકેશનનો ઉપયોગ થતો હોવાનું પણ ખૂલ્યું.

PAYTM સાથે જોડાયેલા બેંક ખાતામાં દરરોજ નાની-નાની રકમ જમા થતી હતી. પોલીસે અનુમાન લગાવ્યું કે પ્રવીણ કોઇ છૂટક ધંધો કરતો હશે. એ જ રીતે, PAYTM મારફતે દરરોજ 316 રૂપિયા કપાત થતા હોવાથી પોલીસને લાગ્યું કે પ્રવીણે કોઇ લોન લીધી હશે.

તપાસમાં જણાયું કે પ્રવીણે રાજકોટથી 1150 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં શ્રી રામ ફાઇનાન્સ પેઢીમાંથી લોન લીધી હતી. આ ફાઇનાન્સ પેઢીની મદદથી પોલીસે પ્રવીણનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને તેનો હાલનો ફોટો મેળવી લીધો. આધાર કાર્ડમાંના એડ્રેસ પર તપાસ કરતાં ખબર પડી કે પ્રવીણ પોતાના પુત્ર સાથે મળીને ચાની લારી ચલાવે છે. આ ધંધામાં નાના-નાના ટ્રાન્ઝેક્શન થતા હતા, જેની રકમ PAYTM દ્વારા તેના બેંક ખાતામાં જમા થતી હતી.

પ્રવીણ 12 વર્ષથી ફરાર હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હતી. એડ્રેસ મળ્યા પછી પણ ચાની લારી પર હાજર વ્યક્તિ પ્રવીણ જ છે કે કેમ તેની ખાતરી કરવી જરૂરી હતી. આથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેશપલટાનો પ્લાન બનાવ્યો.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ASI જલદીપસિંહ વાઘેલાએ ઇ-રિક્ષા ભાડે લઈને રિક્ષાચાલકનો વેશ ધારણ કર્યો. કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલે ફળ વિક્રેતા બનીને આરોપીની ચાની કીટલી આસપાસ ફળ વેચવાનું શરૂ કર્યું. હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી હતી, જ્યારે કોન્સ્ટેબલ હરસુખભાઇ સબાડ ગરમ કપડાંની લારી લઈને તે વિસ્તારમાં ફરતા હતા. આ ચારેય પોલીસકર્મીઓએ સ્થાનિકો જેવો દેખાવા માટે તેમના જેવો જ પહેરવેશ ધારણ કર્યો હતો.

દોઢ દિવસ સુધી પોલીસે વોચ રાખી. પ્રવીણ ક્યારે આવે છે, ક્યારે જાય છે, કોને મળે છે અને તેનું વર્તન કેવું હોય છે તેની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવામાં આવી. પોલીસને શંકા હતી કે પ્રવીણને ખબર પડી જશે તો તે ચાની લારી પર નહીં આવે અને બીજે ભાગી જશે, જેનાથી તેને પકડવો મુશ્કેલ બની જશે. ખાતરી થયા બાદ પોલીસે દરોડો પાડીને પ્રવીણને ઝડપી લીધો.