રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી 'RB ફૂડ પ્રોડક્ટ'માં બનતા ફ્રુટ સ્ક્વોશના નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેલ થયા છે. મનપાના ફૂડ વિભાગે આ સ્ક્વોશના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા, જેમાં આ પીણું ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું કે, ગ્રાહકોને અસલી ફ્રુટ સ્ક્વોશ હોવાનું કહીને તેમાં પપૈયાનો પલ્પ ભેળવવામાં આવતો હતો. ઉપરાંત, પીણાને આકર્ષક દેખાવ આપવા માટે સરકારે પ્રતિબંધિત કરેલા કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવા કલર માનવ શરીર, ખાસ કરીને પાચનતંત્ર માટે જોખમી ગણાય છે.
ફૂડ વિભાગની પૂછપરછ મુજબ આ એકમ છેલ્લા 8 વર્ષથી આ પ્રકારનું ભેળસેળયુક્ત સ્ક્વોશ બનાવીને વેચતું હતું. ગ્રાહકોને આકર્ષવા માટે માત્ર 250 રૂપિયામાં 5 કિલોગ્રામ જેટલો જથ્થો સસ્તા ભાવે આપવામાં આવતો હતો. સસ્તા ભાવને કારણે અનેક લોકો અને વેપારીઓ આ પીણું ખરીદતા હતા.
ફૂડ વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને બજારમાંથી આ પ્રકારનો અસુરક્ષિત જથ્થો જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ગ્રાહકોને પણ સસ્તા ભાવની લાલચમાં આવીને ખાદ્ય ઉત્પાદનો ખરીદતી વખતે લેબલ અને ગુણવત્તા ચકાસવાની સલાહ આપવામાં આવે છે.