સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ફટાકડા ફોડવા મુદ્દે ઝઘડો હત્યામાં ફેરવાયો, કાકાનું મોત, ભત્રીજો ગંભીર

રાજકોટમાં ફટાકડા ફોડવા મુદ્દે ઝઘડો હત્યામાં ફેરવાયો, કાકાનું મોત, ભત્રીજો ગંભીર

રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી હિંસક બની અને એક વ્યક્તિની હત્યા સુધી પહોંચી. માલવિયાનગર વિસ્તારમાં થયેલી આ ઘટનામાં સ્કૂલ વાન ચાલક અજીત સિંધવનું મોત થયું છે, જ્યારે તેમના ભત્રીજાને ગંભીર ઈજાઓ થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા મુદ્દે બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો. બોલાચાલી ઉગ્ર બનતાં આરોપીઓએ અજીત સિંધવ અને તેમના ભત્રીજા પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ અજીત સિંધવનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના ભત્રીજાની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે. અજીત સિંધવ સ્કૂલ વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

આ ઘટનામાં ઈન્દ્રજિતસિંહ જાડેજા અને યશરાજસિંહ જાડેજા સામે હુમલાનો આરોપ છે. માલવિયાનગર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ દારૂના નશામાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ હુમલા પાછળના કારણ અને અન્ય પાસાંઓની તપાસ કરી રહી છે.

બીજી તરફ, મહેસાણામાં પણ દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. શહેરના રાધનપુર રોડ પર આવેલા ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં થયેલી આ ઘટનામાં ચાર લોકોને ઈજાઓ પહોંચી છે, જેમાં બેની હાલત ગંભીર છે. એક પક્ષે ફટાકડા ફોડવા બદલ ઠપકો આપતાં બંને જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. મારામારીમાં છરી અને લોખંડના પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.