સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં ખેડૂતોના બળદ છોડવાની મજબૂરી, આંખોમાં આંસુ

રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં ખેડૂતોના બળદ છોડવાની મજબૂરી, આંખોમાં આંસુ

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર આર્થિક દબાણ વધ્યું છે. ઘાસચારો અને પાણીની અછતના કારણે બળદોનો નિભાવ કરવો મુશ્કેલ બનતાં ખેડૂતો પોતાના જીવ સમા બળદને રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં મૂકવા મજબૂર બન્યા છે. આ દૃશ્યો ખેડૂતો માટે અત્યંત કરુણ છે, કારણ કે તેઓ પોતાના સંતાન સમાન બળદને છોડી જવા મજબૂર બન્યા છે.

સદ્ભાવના બળદ આશ્રમમાં અત્યાર સુધીમાં ૩,૫૦૦થી વધુ બળદ ખેડૂતો દ્વારા મૂકવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. આશ્રમના સંચાલકોએ જણાવ્યું કે તેઓ આ કપરી સ્થિતિમાં ખેડૂતોને હૈયાધારણા આપી રહ્યા છે અને બળદોની સારવાર, ઘાસચારો, પાણી સહિતની તમામ વ્યવસ્થા કરી છે.

ખેડૂતોએ ‘એબીપી અસ્મિતા’ સાથે વાત કરતાં પોતાની વ્યથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે બળદ એ તેમના પરિવારનો હિસ્સો છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે તેમને આશ્રમમાં મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી. આંખોમાં આંસુ સાથે તેઓ બળદને આશ્રમમાં મૂકીને ઘરે પરત ફરી રહ્યા છે.

આશ્રમ દ્વારા બળદોની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને થોડી રાહત થાય છે. જોકે, વરસાદની સ્થિતિ સુધરે ત્યાં સુધી ખેડૂતોની ચિંતા યથાવત્ છે.