સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં નકલી ડોક્ટરોનું કૌભાંડ: સેક્સ સ્ટેમિના વધારવાની દવાના બહાને 2,000 લોકોને ઠગ્યા, 10 ઝડપાયા

રાજકોટમાં નકલી ડોક્ટરોનું કૌભાંડ: સેક્સ સ્ટેમિના વધારવાની દવાના બહાને 2,000 લોકોને ઠગ્યા, 10 ઝડપાયા

રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાં સેક્સ સ્ટેમિના વધારવાની દવાઓ વેચવાના બહાને લોકોને છેતરતાં ત્રણ ગેરકાયદેસર કોલ સેન્ટરોનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹5.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. એચ. રાખોલીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાયાવદરના ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી વિસ્તારમાં આવેલા મકાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ખોડીદાસ માકડીયા, કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ, અહેમદરજા મુલતાની, રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરજા ઉર્ફે બાપુ કાદરી, નાસીર લાખા અને જીલ દિનેશ ખાણીયાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. અન્ય પાંચ ફરાર આરોપીઓ હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, ફૈઝલ રજાક, નિશાંત ઉર્ફે નીલ ભટ્ટ અને રાહુલની શોધખોળ ચાલુ છે.

પોલીસે સ્થળ પરથી 18 લેપટોપ, 33 કી-બોર્ડ અને માઉસ, 23 મોબાઈલ ફોન અને 3 બ્રોડબેન્ડ રાઉટર સહિત કુલ ₹5,16,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકીઓએ છેલ્લા પાંચ મહિના દરમિયાન અંદાજે 2,000 લોકોને શિકાર બનાવી વ્યક્તિ દીઠ ₹1,100થી ₹1,200 પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ તપાસમાં આરોપીઓની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. મુખ્ય આરોપી ખોડીદાસ માકડીયાએ પોતાના ઘરમાં કમ્પ્યુટર લેબ ઊભી કરીને કોઈપણ માન્ય લાયસન્સ વગર લોકોને રોકીને સેક્સ સ્ટેમિના અને બી-12ની દવાના વેચાણના નામે નકલી ડોક્ટર બનતો હતો. આરોપીઓ પોતાની વેબસાઈટ મારફતે ગ્રાહકોને અશ્લીલ અને બીભત્સ સાહિત્ય મોકલી દવા ખરીદવા ઉશ્કેરતા હતા. જો કોઈ વ્યક્તિ દવા ખરીદવાની ના પાડે તો તેના પરિવારજનોને પોતે બીભત્સ સાહિત્ય જોતો હોવાની વાત જણાવી દેવાની અથવા પોલીસ ફરિયાદ કરી આજીવન જેલભેગા કરવાની ધમકી આપતા અને દવા આપ્યા વગર જ બળજબરીથી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા.

બીજા કોલ સેન્ટરનો સંચાલક આરોપી અહેમદરઝા મુલતાણી પોતાના સાગરીતો સાથે મળીને નકલી ડોક્ટર બની લોકોને સેક્સ સ્ટેમિનાની આયુર્વેદિક પ્રોડક્ટ વેચવાના બહાને ફસાવતો હતો. આ ટોળકીમાં જો કોઈ ગ્રાહક ઓર્ડર કન્ફર્મ થયા બાદ તેને કેન્સલ કરાવવાનો પ્રયાસ કરે તો આરોપીઓ વોટ્સએપ મારફતે કાનૂની કાર્યવાહી અને ધાકધમકી આપીને બળજબરીપૂર્વક પૈસા કઢાવી લેતા હતા. જ્યારે ત્રીજી ટોળકીનો સંચાલક હાર્દિક ખાંભલા પોતાના સાગરીતો સાથે મળીને 'ન્યુરો શક્તિ પ્લસ' નામની બનાવટી દવા વેચવાના બહાને ખોટા નામે છેતરપિંડી આચરતો હતો. આ ટોળકીના તમામ આરોપીઓ પોલીસ દરોડા પૂર્વે ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.

ઠગબાજો લોકોને ભરમાવવા માટે પોતાની વેબસાઈટ પર ભારત સરકારના આયુષ મંત્રાલય, નેશનલ હેલ્થ ઓથોરિટી તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)ના બનાવટી લોગોનો ખુલ્લેઆમ દુરુપયોગ કરતા હતા. આ ઉપરાંત અંગ્રેજી અખબારોના બોગસ ન્યૂઝ કટિંગ્સ અને કેટલીક જાણીતી ખાનગી સંસ્થાઓના ચિહ્નો દર્શાવી લોકોને સંપૂર્ણ વિશ્વાસમાં લેતા હતા. ગ્રાહકોને ઝડપથી આકર્ષવા માટે દવાઓ પર 50 ટકા જેટલું માતબર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવતું હતું. સાથોસાથ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા મહાનગરોના કાલ્પનિક દર્દીઓના ફોટા મૂકીને ખોટા સંતોષકારક રિવ્યૂ દર્શાવવામાં આવતા હતા. હાલ પોલીસે આરોપીઓના બેંક ખાતાઓ અને કોલ ડિટેઈલ્સના આધારે સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી છે.