રાજકોટના ભાયાવદર વિસ્તારમાં શારીરિક અને જાતીય શક્તિ વધારવાની આયુર્વેદિક દવાઓના નામે ઓનલાઈન છેતરપિંડી અને બ્લેકમેલિંગનું મોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. 22 ઓક્ટોબર, 2026ના રોજ ભાયાવદર પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદે ચાલતા ત્રણ કોલ સેન્ટરો પરથી 10 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 આરોપીઓ ફરાર છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કોઈપણ લાયસન્સ કે તબીબી લાયકાત વિના પોતાને ડૉક્ટર તરીકે રજૂ કરતા હતા અને 'bedroomboss.in/Gujarat/' નામની બોગસ વેબસાઇટ મારફતે ગ્રાહકોને છેતરતા હતા. તેઓ 'ન્યુરો શક્તિ પ્લસ' અને વિટામિન B-12 જેવી બનાવટી આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરતા હતા. ગ્રાહકોને અશ્લીલ સાહિત્ય મોકલીને દવા ખરીદવા પ્રેરિત કરવામાં આવતા હતા. જો કોઈ ગ્રાહક ઓર્ડર આપ્યા પછી કેન્સલ કરવાનો પ્રયાસ કરે તો તેને કાનૂની કાર્યવાહી, જેલમાં મોકલવાની અને પરિવારજનોને અશ્લીલ વિગતો બતાવી દેવાની વોટ્સએપ પર ધમકી આપીને જબરદસ્તી પૈસા પડાવવામાં આવતા હતા.
લોકોનો વિશ્વાસ જીતવા માટે આ ઠગો પોતાની વેબસાઇટ પર આયુષ મંત્રાલય અને ભારત સરકારના 'PM-JAY' (નેશનલ હેલ્થ ઓથોરિટી)ના બોગસ લોગો દર્શાવતા હતા. આ ઉપરાંત અખબારોના બનાવટી કટિંગ, 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફરો અને અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ જેવા મોટા શહેરોના લોકોના ખોટા રિવ્યૂ મૂકીને લોકો સાથે ઠગાઈ આચરતા હતા.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 18 કોમ્પ્યુટર-લેપટોપ, 33 કીબોર્ડ-માઉસ, 23 મોબાઇલ ફોન અને બ્રોડબેન્ડ સાધનો મળીને કુલ રૂ. 5,16,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં ખોડીદાસ માકડીયા, કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ, અહેમદરઝા મુલતાની, રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરઝા ઉર્ફે બાપુ કાદરી, નાશીર લાખા અને જીલ ખાણીયાનો સમાવેશ થાય છે. જ્યારે હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, રાહુલ, ફૈઝલ રજાક અને નિશાંત ઉર્ફે નિલ ભટ્ટની શોધખોળ ચાલુ છે.
ભાયાવદર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4), 319(2), 308(2), 351(4), 3(5), આઇટી એક્ટ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધીને આંતરરાજ્ય કૌભાંડના વાસ્તવિક તાર મેળવવા આગળની તપાસ હાથ ધરી છે.